મેડિકલ કોલેજમાં ગુજરાત ડોમિસાઈલને એડમિશન આપો : ધારાસભ્ય, સાંસદને રજુઆત મોરબી: મોરબીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ ધારાસભ્ય અને સાંસદને આવેદન આપી ગુજરાતની મેડિકલ કોલેજમાં ગુજરાત ડોમીસાઈલને એડમિશન આપવાની માંગ કરી છે આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેડિકલમાં એડમિશન માટે દર વર્ષે કોર્ટમાં કેસ થાય છે અને એડમિશન પ્રક્રિયામાં વિલંબ થાય છે જેથી વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે ત્યારે ૨૦૧૮માં વિદ્યાર્થીઓને આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સરકારે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. વધુમાં જણાવ્યું કે ગુજરાત ડોમિસાઈલ વિદ્યાર્થી ની વ્યાખ્યા કરવી કે જે વિદ્યાર્થીઓએ ધો.૮ થી ૧૨ સુધીનો અભ્યાસ ગુજરાતમાં કરેલો હોવો જોઈએ જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન માટે બીજા રાજયોમાં જવું ન પડે તે માટે આ અંગેનો કાયદો વિધાનસભા ગૃહમાં પસાર કરવાની માંગ કરી છે. અન્ય રાજ્યોમાં પણ જે તે રાજ્યના વિદ્યાર્થી કે જેમને ધો. ૧૦ અને ૧૨ જે તે રાજ્યમાંથી પાસ કરેલ હોય તેવોને મેડિકલ કોલેજમાં પ્રવેશ લાયક ગણવામાં આવે છે તેથી આવો કાયદો ગુજરાતમાં બનાવવો જરૂરી છે અને એડમિશન માટે ફોર્મમાં ડોમીસાઈલની વ્યાખ્યા છાપવી. જેથી કોર્ટ કેસ થાય નહિ. તે ઉપરાંત ખાનગી ટ્યૂશન ક્લાસ દ્વારા આંતરરાજ્ય એડમિશનમાં ગેરરીતિ કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓને નુકશાન થાય છે એકંદરે આવનારા સમયમાં એડમિશન પ્રક્રિયામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવા પગલાં ભરવાની માંગ કરાઇ છે.