બટુક ભોજન, સુંદરકાંડના પાઠ,યજ્ઞ,મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા હળવદ : ચૈત્ર મહિનાની પુનમ એટલે શ્રી હનુમાનજીના જન્મનો પાવન અવસર. ભગવાન શંકરના અંશ હોવાના કારણે શ્રી હનુમાનજી જ્ઞાન અને ભક્તિના અધિષ્ઠાતા છે. ત્યારે આજે હળવદ શહેરના રાતકડી તેમજ તાલુકાના ઈંગોરાળા સહિતના ગામોના મંદિરોમાં પુજાપાઠ અને હનુમાન ચાલીસા સાથે ધામધુમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હળવદમાં રાતકડી હનુમાન મંદિર ખાતે ૬૧ ફુટની મુર્તિનુ ભવ્ય શણગારવામા આવી હતી અને મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હળવદ સહિત ઈંગોરાળા, ઘણાંદ, ઈશનપુર, માયાપુર, રાણેકપર સાથે તાલુકા ભરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હનુમાન એટલે અહંકારનો ત્યાગ અને સદગુણોનો બાગ શ્રી હનુમાનજી જીવન સૌ માટે અનોખી પ્રેરણા પુરી પાડે છે. સંકટો આવ્યા પણ તેમાથી કોઈ પણ સંકટ હનુમાનજીને આગળ વધતા રોકી ન શક્યા. એટલે તો ભારતીય કથામાં તે એકમાત્ર એવા નાયક છે જેમને સંકટ-મોચન કહેવામાં આવે છે. હળવદ શહેરના રાતકડી હનુમાનજી મંદિર ખાતે પુજન અર્ચન બાદ મહા પ્રસાદ તેમજ બસ સ્ટેશન પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા ઠંડાપીણા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભકતોએ મંદિરે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.