બેન્ક અધિકારી હોવાની ઓળખ આપી ચિટરો એટીએમ નંબર માંગે છે : માત્ર સરકારી નંબરો જ ચિટરોના ટારગેટમાં મોરબી :મોરબીમાં ચિટરો દ્વારા સરકારી બાબુઓને ફોન કરી બેંકના અધિકારી હોવાની ઓળખ આપીને આધારકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર માંગવામાં આવ્યા હોય તેવા બનાવો પ્રકાશમાં આવ્યા છે. જોકે સરકારી બાબુઓ આ બાબતે ચેતી ગયા છે તેથી કોઈ ભોગ બન્યું હોય એવું ધ્યાને આવ્યું નથી મોરબીમાં ખાસ કરીને સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવતી ચીટર ટોળકી મો.નં.૭૪૯૩૯૯૨૦૪૮ ઉપરથી સરકારી નંબર પર સંપર્ક સાધીને કહે છે કે હું એસ.બી.આઈ. બેંક મેનેજર બોલુ છું. તમારું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે જેને ચાલુ કરવું હોય તો આધારકાર્ડને એટીએમ કાર્ડ નંબર આપો. આ પ્રકારના ફ્રોડ કોલ મોરબી જિલ્લા પંચાયતના એકલા આરોગ્ય વિભાગના ૨૦ જેટલા સરકારી અધિકારી અને કર્મચારીઓને આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ચીટરો દ્વારા નાણાં ખંખેરવા માટે આ પ્રકારના ફ્રોડ કોલ આવતા હોવાનુ જણાતા કોઈએ ફોન પર એટીએમ નંબરની વિગતો આપી ન હતી. સરકારી બાબુઓ આ બાબતથી સચેત થયા છે અને એકબીજાનો સંપર્ક સાધીને આ પ્રકારનો ફ્રોડ કોલ આવતો હોવાનું જણાવી રહ્યા છે જોકે ચિટરો ફક્ત સરકારી નંબર પર જ ફ્રોડ કોલ કરે છે તેથી આ બાબતે પોલીસ તંત્ર યોગ્ય તપાસ કરે તો ચિટરોના આવા ગોરખધંધાનો પર્દાફાશ થઇ શકે છે.