મધ્યરાત્રીએ ઘરમાં ઘુસી બ્રાહ્મણ પરિવારને લૂંટી જતા ચાર શખ્સો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શ્રીમંત સોસાયટીમાં ગઈકાલે રાત્રે ત્રાટકેલી ચડ્ડી બનીયાનધારી ટોળકીએ છરીની અણીએ બ્રાહ્મણ પરિવારના ઘરમાં ઘુસી રૂપિયા ૨.૬૦ લાખની માલમતાની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાંકાંઠે આવેલ શ્રીમંત સોસાયટીમાં ગઈકાલે મધ્યરાત્રીના ત્રણ થઈ સાડાત્રણ વાગ્યાના અરસામાં અરવિંદકુમાર ધીરેન્દ્રભાઈ શુકલાના ઘરમાં બારીમાંથી ત્રણથી ચાર શખ્સો ઘુસ્યા હતા અને અરવિંદભાઈના ગળા ઉપર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી રોકડા રૂપિયા ૨.૨૦ લાખ અને ૪૦ હજારના સોનાના દાગીના મળી કુલ ૨.૬૦ લાખની લૂંટ ચલાવી હતી. વધુમાં આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ મામલે અજાણ્યા ચડી બનીયાનધારી ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે અને પીઆઇ ઝાલાએ તપાસનો દોર સંભાળ્યો છે.