માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત મોરબી : મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા હજુ ણ અનેક ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી હોય મોરબીમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કરવા માંગ ઉઠાવી છે. મોરબી માર્કેટીંગયાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખિત રજુઆત કરી મોરબી માર્કેટીંગયાર્ડ ખાતે મગફળી ખરીદીનું કેન્દ્ર શરૂ કરવા માગણી કરી છે તેમના જણાવ્યા મુજબ મોરબી, માળિયા (મી)ટંકારા એમ ત્રણ તાલુકા વચ્ચે એક માત્ર મગફળીની ખરીદી કરતુ સેન્ટર કાર્યરત હતુ તે દરમિયાન ત્રણેક તાલુકાના ખેડુતો દ્વારા એ.પી.એમ.સી. મોરબીમાં કુલ ૭૦૦૦ ખેડુતોએ મગફળીના વેચાણ અંગેની નોંધણી કરાવેલ. તેમાંથી અત્યાર સુધીમાં કુલ ૫૫૦૦ ખેડુતોની મગફળી જ ખરીદી થયેલ છે. અને હજુ પણ ૧૫૦૦ના ખરીદી બાકી છે. અમુક ખેડુતોની બીજી વખતની મગફળી બાકી રહી ગયેલ છે. ત્રણ તાલુકા વચ્ચે એકજ સેન્ટર હોવાથી હજુ આશરે ૮ થી ૧૦ હજાર ગુણી મગફળી બાકી રહી ગયેલ હોય મોરબી ખાતે ખરીદી સેન્ટર શરૂ કરવું અતિ જરૂરી બન્યુ છે અને સેન્ટર શરૂ કરવા ચેરમેન મગનભાઇ વડાવીયાએ લેખિતમાં માગણી કરી છે.