હળવદ : હળવદ તાલુકાના માનસર ગામે પ્રેમાન્ધ કાકી ભત્રીજાએ સુંવાળા સબંધમાં આળખીલી રૂપ પતિ અને સાસુને ઠંડે કલેજે મોતને ઘાટ ઉતારવા પ્રકરણમાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. હળવદ પોલીસના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકાના માનસર ગામે રહેતા વશરામભાઈ સોમાભાઈ કોળી તથા તેમની માતા બાલુબેન સોમાભાઈ કોળીની હત્યા કરવાના ગુન્હામાં ગામના સરપંચ સંજયભાઈ ગોહિલની ફરિયાદના આધારે આ હત્યાને અંજામ આપનાર મૃતક વસરામભાઈના પત્ની હીરાબેન વસરામભાઈ કોળી ઉ.૩૫ તથા દિનેશભાઇ મનજીભાઈ કુરિયા ઉ. ૨૬ રે બંને માનસર વાળાની વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હત્યારા કાકી ભત્રીજાને મૃતક વસરામભાઈ કઢંગી હાલતમાં જોઈ જતા દિનેશ અને હીરાએ માથામાં લાકડું ફટકારી વસરામભાઈને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા અને આ દ્રશ્ય મૃતકના માતા બાલુબેન જોઈ જતા આરોપીઓએ ભાંડો ફૂટવાની દહેશતે બાલુબેનની પણ હત્યા કરી નાખી બાદમાં બન્નેએ આત્મહત્યા કરી હોવાની સ્ટોરી ઉપજાવી કાઢી બારોબાર અંતિમ વિધિ પણ કરી નાખતા પોલીસે ઊંડી છાનબીનને અંતે આ ભેદભરમ સર્જતી બેવડી હત્યાનો ભેદ ઉકેલી પ્રેમાન્ધ કાકી- ભત્રીજાને દબોચી લીધા છે.