એક વર્ષ પૂર્વે પતિ અને બાળકોને છોડી જનાર પરિણીતાને સમજાવી મામલો થાળે પડાયો મોરબી : આજથી એક વર્ષ પૂર્વે પતિ અને બાળકોને એકલા મૂકી અન્ય સાથે જતી રહેલ પરિણીતાને સમજાવી ટીમ ૧૮૧ એ વધુ એક ઘરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખુશીઓ છલકાવી હતી. મોરબી ૧૮૧ ટીમને આજે સવારે એક ફોન આવ્યો હતો. તેમાં જણાવાયુ હતું કે, કોઈ અજાણ્યા બેન મળી આવ્યા છે. આ બનાવની જાણ થતા મોરબી ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને બેનનું ૧૮૧ ટીમના જાગૃતિબેન મકવાણા દ્વારા કાઉન્સીલિંગ કરવામાં આવતા જાણવા મળ્યું હતુ કે. આ બેન પોતાના બાળકો અને પતિને મુકીને કોઈ અન્ય સાથે ચાલ્યા ગયા હતા, અને છેલ્લા ૧૨ મહિનાથી લાપતા હતા. આથી ટીમ ૧૮૧ ના જાગૃતિ મકવાણાએ તેમને સમજાવી તેના માતાપિતા અને પતિનું સરનામું મેળવીને તેમને જાણ કરી હતી. બાદમાં આ બેનને તેના પતિ અને માતાપિતાને સુરક્ષિત સોપી ફરી એક મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક પરિવારને જોડી ખુશી આપવાની કામગીરી કરી હતી.