મોરબી એલસીબીએ વિજય પટેલ અને કુલદીપસિંહને ઝડપી લેવામાં સફળતા મેળવી મોરબી : મોરબીના ચકચારી દેવ અપહરણ કેસમાં ત્રણ આરોપી ઝડપાઇ ગયા બાદ આજે એલસીબીની ટીમે આ અપહરણકાંડમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર અને હિન્દુસ્તાન સિક્યુરિટી એજન્સીના વિજય પટેલ અને સાગરીત કુલદીપસિંહને દિલ્હી ખાતેથી દબોચી લેવામાં સફળતા મેળવી છે. ખંડણીના ઇરાદે મોરબીમાં બનેલ ચકચારી દેવ અપહરણ કેસમાં પોલીસે અગાઉ અપહરણ કરનાર ત્રણ આરોપીને ઝડપી લીધા છે ત્યારે જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે તમામ ટીમોને આ અપહરણ કેસમાં સંડોવાયેલ અને પકડવાના બાકી છે તેવા ચાર આરોપીઓને ઝડપી લેવા આદેશ જારી કરતાં એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસની ટીમ સતર્ક બની બતમીદારોને કામે લગાડ્યા હતા જેમાં મુખ્ય સૂત્રધાર વિજય પટેલ અને કુલદીપસિંહ ઉર્ફે શક્તિમાનને દિલ્હીથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આમ, ચર્ચાસ્પદ બનેલા મોરબીના દેવ અપહરણ કેસમાં પોલીસની સક્રીયતાથી મુખ્ય ભેજાબાજ વિજય પટેલ અને તેનો સાગરીત કુલદીપસિંહ ઝડપાઇ જતા હવે અપહરણ કેસનું સત્ય બહાર આવશે.