આરટીઆઇ એક્ટિવિસ્ટે માહિતી અધિકારના કાયદા હેઠળ વાડ ચીભડા ગળતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હળવદ પ્રાંત અધિકારી અને મામલતદારનું ભેદી મૌન !! હળવદ : સામાન્ય રીતે માથાભારે ભુમાફિયા અથવા ઘરબાર વગરના લોકો જે કામ કરે છે તેવું કૃત્ય હળવડમાં કાયદાના રખેવાળ દ્વારા કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. જે સંસ્થા નાગરિકોને નિયમ મુજબ બાંધકામ કરવાની મંજૂરી આપે છે તેવી હળવદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે એક નહિ પરંતુ ૨૦૦ દુકાનો વગર મંજૂરીએ ચણી નાખી છે અને એ પણ સરકારી જમીન ઉપર !! જાણવા મળતી હકીકત મુજબ છેલ્લા ઘણા સમયથી હળવદના સરકારી ગેસ્ટ હાઉસ એટલે કે સરકીટ હાઉસ રોડ ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ કરવાનું શરૂ કર્યું છે અને હાલ એક માળનું બાંધકામ પૂર્ણ કરી લઈ બીજા મજલાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાડ જ ચીભડા ગળે તે ઉક્તિ મુજબ આ બાંધકામ ગેરકાયદેસર રીતે થતું હોવાની શંકા જતા શહેરભરમાં અનેકાનેક ચર્ચાઓ ઉઠી હતી પરંતુ લોકો મૂંગા મોઢે તમાશો જોતા રહ્યા હતા પરંતું આરટીઆઇ એક્ટિવિસ્ટ વાસુદેવભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા આ મામલે ઊંડાણ પૂર્વક છાનભિન કરતા ચોકી ઉઠ્યા હતા કારણ કે જે સ્થળે આ કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે એ જમીન સરકારી ખરાબાની છે. વધુમાં નગર પાલિકા દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી આ દુકાનો લાખો રૂપિયામાં વેચી દેવા કારસો ધડી કાઢ્યો હતો અને નિયમ મુજબ સામાન્ય નાગરિકો પાસે બાંધકામ પરવાનગી અને કંપલીશન સર્ટિફિકેટનો આગ્રહ રાખતી નગરપાલિકાએ એક તો સરકારી જમીનમાં પેશ કદમી કરી ઉપર જતા લોકોને કોઈપણ જાતની મંજૂરી મેળવ્યા વગરનું બાંધકામ પણ ઠોકી બેસાડયું છે. જો કે આરટીઆઇ એક્ટિવિસ્ટ વાસુદેવભાઈ પટેલે માહિતી અધિકારના કાયદા હેઠળ આ ગેરકાયદેસર બાંધકામ સામે સવાલ ઉઠાવી બાંધકામ અંગે મંજૂરી મેળવી છે કે કેમ તે સહિતના અણિયારા સવાલો ઉઠાવતા પાલિકાના ચીફ ઓફિસર જવાબ આઓઈ શક્ય નથી અને માહિતી શૂન્ય હોવાનું જણાવી પોતાની જવાબદારી ખંખેરી નાખવા પ્રયાસ કર્યો છે. આ બાબતે આરટીઆઇ એક્ટિવિસ્ટ વાસુદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય લોકો સામે કાયદાનો ધોકો પછાડી બાંધકામ મંજૂરીનો આગ્રહ કરતા પાલિકા તંત્રના આ જબરદસ્ત કૌભાંડ મામલે તેઓ જિલ્લા કલેકટર અને ગાંધીનગર સુધી લડત આપી કાયદાનો ભંગ કરી સરકારી જમીન હડપ કરવાના કારસાને નિષ્ફળ બનાવશે. જો કે આશ્ચર્યતો એ વાતનું છે કે કરોડોની કિંમતી સરકારી જમીન ઉપર નગરપાલિકાના સતાધીશો દ્વારા છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવતું હોવા છતાં હળવદ મામલતદાર અને હળવદ પ્રાંત અધિકારી દ્વારા ચીફ ઓફિસર અને પાલિકાના હોદ્દેદારોની લાજ કાઢતા હોય તેમ ચૂપચાપ તમાશો નિહાળી રહ્યા છે જે શંકા જનક છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='15783,15784,15785']