બચત સ્કીમના નાણાં પરત કરવા ઘરે જઈ ધમકી આપતા આધેડે ગળાફાંસો ખાઈ લીધો હતો હળવદ : હળવદમાં બે માસ પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કરવા પ્રકરણમાં મૃતકે લખેલી સ્યુસાઇડ નોટના આધારે બે ભરવાડ શખ્સો વિરુદ્ધ મરવા મજબૂર કરવા અંગે ગુન્હો નોંધાતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદના કુંભાર દરવાજા નજીક રહેતા વસંતબેન રતિલાલ ચારોલા ઉ. ૫૮ એ સામત રામજીભાઈ ભરવાડ અને જગાભાઈ ભરવાડ વિરુદ્ધ પોતાના પતિને મરવા મજબૂર કરવા અંગે ગુન્હો નોંધાવતા પોલીસે આઈ.પી.સી. ૩૦૬ સહિતની કલમો મુજબ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર વિશ્વામિત્રી બચત યોજનામાં મેનેજર તરીકે કામ કરતો હોય આરોપીઓએ આ યોજનામાં નાણાં રોક્યા હતા જે પરત આપવા મુદ્દે ગત તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ ફરિયાદીને ઘેર આવી ધમકી આપતા ફરિયાદીના પતિ રતિલાલ જેઠાલાલ ચારોલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ ફરિયાદીને હાથ લાગતા પોલીસ મથકે આવી ગુન્હો નોંધાવ્યો હતો, વધુમાં આ ચકચારી બનાવમાં પીએસઆઇ વાઢીયાએ વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.