હળવદ તાલુકાના રાણેકપર ગામે ગોલતર પરિવાર દ્વારા આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો હતો જેમાં આવતીકાલે પ.પૂ.મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ખાસ ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે. હળવદની સમીપ આવેલ રાણેકપર ગામે ગોલતર પરિવાર આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થતાં સવારે માંડવા રોપાણ બાદ મા શકિતના હોમહવનના યજમાન પદે 98 દંપતિઓ બિરાજમાન થયા હતા. આ વેળાએ ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તા.24મીએ ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ગાયક રાજદિપ બારોટ તથા ટહુકતી કોયલ વનીતાબેન બરોટ આ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ઝાલાવાડના, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી, લખતર, સાયલા, ચુડી તેમજ મોરબી જિલ્લામાંથી ભાવિકો આવી પહોંચ્યા હતા. રાણેકપર ગામે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આઈમાતા જાનુઆઈ (ખોડિયારધામ-ગુંદાળા) તેમજ માનુંઆઈ (મોગલધામ-ખીજડીયા) ભાવિક ભકતોને આર્શિવચન પાઠવશે. આજથી રાણેકપર ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માંડવા રોપાણથી પ્રારંભ થયો હતો.જેમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે અને ત્યારબાદ તા.25ના શનિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોલતર પરિવાર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે ઉપરાંત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.