મોરબીની અંડર-૧૭ ટીમ રાજ્યકક્ષાની બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી રમવા જશે મોરબી : રમત-ગમત ક્ષેત્રમાં મોરબી જિલ્લાના ખેલાડીઓ હિર ઝળકાવી રહ્યા છે ત્યારે નવા બનેલા મોરબી જિલ્લાની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રયત્નોથી મોરબી જિલ્લામાં ફૂટબોલ એસોસિએશનની સ્થાપના થઈ છે જેને ગુજરાત ફૂટબોલ એસોસિએશનની માન્યતા મળી ગઈ છે. મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને ગુજરાત ફૂટબોલ એસોસિએશનમાંથી માન્યતા પ્રાપ્ત થતા આજે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ પત્રકાર પરિષદ યોજી મોરબી જિલ્લામાં ફૂટબોલની રમતને વધુને વધુ લોકપ્રિય બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં મોરબી જિલ્લાની અંડર-૧૭ ટીમ પ્રતિનિધિત્વ કરનાર હોવાનું જણાવ્યું હતું. વધુમાં દેવેનભાઈએ ઉમેર્યું હતું કે મોરબી જિલ્લામાં અનેક ખેલાડીઓ ભરપૂર પ્રતિભા ધરાવે છે તેઓને ફક્ત એક પ્લેટફોર્મ આપવાની જરૂરત હતી જે યંગ ઇન્ડિયા ગ્રુપ પુર પાડશે, મોરબી જિલ્લાની ટીમને ફુટબોલની સતાવાર માન્યતા મકે તે માટે પ્રયત્નો હાથ ધરાયા હતા જેમાં સફળતા મળી છે. વધુમાં આગામી રાજ્યકક્ષાની અંડર-૧૭ ટુર્નામેન્ટ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ૧૦૦ જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓ આવ્યા હતા જેમાંથી ૧૮ ખેલાડીઓની પસંદગી કરી રાજ્યકક્ષાની અંડર-૧૭ બલરામ ક્ષત્રિય મેમોરિયલ ફૂટબોલ ટ્રોફી રમવા મોકલવામાં આવશે. દરમિયાન મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા ફૂટબોલ ખેલાડીઓ માટે તાલીમ કેમ્પ યોજવામાં આવશે જેમાં કોચ તરીકે મુસ્તકભાઈ સુમરા ખેલાડીઓને તાલીમ આપશે અને ભવિષ્યમાં મોરબીની ટીમ રાજ્યકક્ષાએ જ નહીં બલ્કે નેશનલગેમમાં પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં મોરબીમાં રાજ્યકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે અને મોરબી જિલ્લાની સિનિયર ટીમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમવા જનાર હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આગામી સમયમાં બહેનોની ટીમનું સિલેક્શન હાથ ધરવામાં આવશે અને બાદમાં બહેનોની ટીમને પણ રાજ્યકક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે. પત્રકાર પરિષદમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સાથે મોરબી કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશનની સ્થપના અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા બદલ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી દ્વારા કરાયેલા પ્રયત્નોની સરાહના કરી તમામ મદદની ખાતરી આપી હતી. મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન ટીમના ખેલાડીઓની જર્શીનું શશાંકભાઈ દંગીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.