ડેન્ગ્યુના સતાવાર ૨૮ કેસ : ચિકન ગુનિયાના ચાર કેસ ! મોરબી : મોરબી શહેર જિલ્લામાં ઘરે-ઘરે માંદગીના ખાટલા પથરાયા હોવા છતાં સરકારી ચોપડે સબ-સલામતની આલબેલ પોકારવામાં આવી રહી છે, જોકે મોડે મોડે સરકારી તંત્રએ આખા જિલ્લામાં ચિકનગુનિયાના ચાર અને ડેન્ગ્યુના ૨૮ કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. મોરબી જિલ્લામાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુના ગંભીર રોગનું પ્રમાણ વધી રહ્યું છે,જિલ્લા આરોગ્ય વિભાગના સરકારી આંકડા મુજબ ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રોગીઓનું પ્રમાણ વધ્યું હોવાનું જણાઈ રહ્યું છે ગત વર્ષે ચિકન ગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો જ્યારે આ વર્ષે સતાવાર રીતે ચાર કેસ નોંધાયા છે. વધુમાં ગત વર્ષે ડેન્ગ્યુના ૧૧ કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે ડેન્ગ્યુના ૨૮ કેસ સરકારી ચોપડે નોંધાયા હોવાનું આંકડા જણાવી રહ્યા છે. જોકે સરકારી આંકડાની તુલનાએ ખાનગી દવાખાનામાં દર્દીઓ ઉભરાય રહ્યા છે અને સરકારી આકડાઓમાં માત્ર પાંચ પચીસ દર્દીઓ દેખાડવામાં આવી રહ્યા છે. જો કે સરકારી બાબુઓ દ્વારા રોગચાળો કાબુમા લેવા તાલુકા લેવલે હેલ્થ સુપરવાઇઝરોને સર્વેની કામગીરી સોંપવામાં આવી હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.