પીપળી રોડ ઉપર સિલ્વર પાર્કની ઘટનામાં તાલુકા પોલીસે મોડી રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લીધા મોરબી:મોરબી ના પીપળી રોડ ઉપર સિલ્વર પાર્કમાં લોકોએ અજાણ્યા વ્યક્તિને ચોર સમજી બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે પોલીસે સિલ્વર પાર્કમાં રહેતા ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યા બાદ ગત મોડી રાત્રે ત્રણ આરોપીને ઝડપી લઈ ધરપકડ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સિલ્વરપાર્ક નજીક ચોરીના ઇરાદે અજાણ્યા સાત આઠ શખ્સો ઘુસ્યા હતા અને સોસાયટી વાળાઓ જાગી જતા એક શખ્સ ઝડપાઇ ગયો હતો જેને માર મારતા મોત નિપજતા પોલીસે આ હત્યા મામલે સિલ્વરપાર્કમાં રહેતા જયેશ રમેશભાઈ રાજેડીયા,વિજય મનસુખભાઇ ભાટિયા અને ચિરાગ વસુદેવભાઈ અઘારા વિરુદ્ધ હત્યા અંગેનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી જેમાં ગતરાત્રીના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પીપલીના સિલ્વરપાર્કમાં અજાણ્યા પુરુષની મૂંઢ માર મારી હત્યા કરવા મામલે પહેલા તો અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાનું જ જાહેર થયું હતું પરંતું પીએસઆઇ રાણાએ ઝીણવટભરી તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.અને લોકોએ ચોર સમજી આ અજાણ્યા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધાનું સ્પષ્ટ બન્યું હતું. અંતે આ પ્રકરણમાં તાલુકા પોલીસે ગઈકાલે રાત્રે સિલ્વર પાર્કમાં રહેતા જયેશ રમેશભાઈ રાજેડીયા,વિજય મનસુખભાઇ ભાટિયા અને ચિરાગ વસુદેવભાઈ અઘારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.