લેભાગુ સભ્યો ભાજપનો હાથો બન્યા છે : કિશોર ચીખલીયા મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતના ૬ સભ્યો વિકાસ કમિશનરમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની કાર્યવાહી સામે સ્ટે લાવતા જિલ્લા પંચાયતમાં કોંગી સભ્યોનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, બીજી તરફ કારોબારી ચેરમેન કિશોર ચીખલીયાએ આ ૬ સભ્યોને લેભાગુ ગણાવી ભાજપનો હાથો બન્યા હોવાનું જણાવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતના હળવદ વિસ્તારના સભ્ય હેમાંગભાઈ રાવલની આગેવાનીમાં રમેશભાઈ વિડજા, રેખાબેન એરવાડિયા, ધર્મેન્દ્ર એરવાડિયા સહિતના છ સભ્યો વિકાસ કમિશનર સમક્ષ ગયા હતા અને કારોબારી ચેરમેન દ્વારા તેઓને સમયસર એજન્ડા ન આપવાની સાથે આખો એજન્ડા આપવાને બદલે ચબરખી આપી કારોબારી સમિતિમાં આવતી દરખાસ્તોની વિગતો છુપાવતા હોવાનો આરોપ લગાવી ન્યાય માંગતા વિકાસ કમિશનરે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ સામે સ્ટે ફરમાવ્યો છે. બીજી તરફ કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે વિકાસ માટે કામ કરતી મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સામે ભાજપના ઈશારે સ્ટે અપાયો છે,તેઓએ હેમંગભાઈ સહિતના સદસ્યો ભાજપના મિનિસ્ટરના ઈશારે વિકાસકામમાં રોડ નાખતા હોવાનું અને ભાજપનો હાથો બન્યા નું જણાવ્યું હતું. ઉપરાંત કિશોરભાઈએ ઉક્ત તમામ સદસ્યોને લેભાગુ ગણાવી આ સદસ્યોને દુઃખે છે પેટ અને કુટે છે માથું એ ઉક્તિ મુજબ આ સભ્યો ને બીજો વાંધો છે અને હવે કદાચ આ સભ્યો ભાજપ સાથે ભળી જાય એમ હોવાનું જાણવી મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવાથી આ સભ્યોથી કશું નહીં થાય તેવું ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે આગાઉ આ છ સભ્યોએ કારોબારી સમિતિ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પ્રેસકોન્ફરન્સમાં જાહેર કરાયુ હતું.