આજે રાત્રે બહેનોનું જાગરણ હોવાથી રાત પડ્યે દિવસ ઉગ્યા જેવો માહોલ સર્જાશે : બહેનો-દીકરીઓના જાગરણ દરમિયાન છેલબટાઉ યુવાનો પર પોલીસની કડક વોચ રહેશે. મોરબી : આજે જયાપાર્વતી વ્રતનું જાગરણ છે. મોરબીમાં યુવતીઓ અને નવ પરણીત બહેનો પાંચ દિવસ સાચા હદયથી જ્યાપાર્વતીનું પૂજન કરી મોરૂ ખાઈને આજે છેલ્લાં દિવસે જયાપાર્વતી વ્રતની ઉમંગભેર ઉજવણી કરશે. જો કે બહેનોનું જાગરણ હોવાથી રાત પડ્યે દિવસ ઉગ્યા જેવો માહોલ આજે સર્જાશે. જ્યારે બહેનો-દીકરીઓના જાગરણ દરમિયાન છેલબટાઉ યુવાનો પર પોલીસની કડક વોચ રહેશે. આધુનિક રહેણીકરણી વચ્ચે કન્યાઓ પણ ભારતીય પરંપરા અને વિચારસરણીને અનુસરતી હોય છે. મોટા ભાગની મોર્ડન યુવતી સારા જીવનસાથી મેળવવા માટે આ વ્રત કરે છે. પાંચ દિવસ સુધી એકટાણામાં મોરું ભોજન કરીને આખો દિવસ ભૂખ્યા રહીને શિવ પાર્વતીની પૂજા કરીને કઠોર આરાધના કરે છે. આધુનિક યુવતીઓ વ્રત વિશે કહે છે કે, આમ તો ઉપવાસ કરીએ છીએ પરંતુ જયાપાર્વતીનું વ્રત થોડું કઠિન છે. પાંચ દિવસ સુધી મોરું ખાવાનું હોય છે. દરરોજ પરંપરાગત વસ્ત્ર પહેરીને નજીકના શિવ પાર્વતીના મંદિરે દર્શન કરવા જવાનું હોય છે. અને ગોર મહારાજ વિધિ કરાવે તે મુજબ અનુસરીને પૂજા પાઠ કરવાના હોય છે. પાંચેય દિવસ મોરા ભોજનના એક્ટાણાં કરીને અને છેલ્લે દિવસે બે વખત પૂજા કરવાની તથા વ્રત પૂરા થાય એટ્લે છેલ્લાં દિવસે આખો ઉપવાસ કરીને રાત્રે બાર વાગ્યે મીઠાવાળું ભોજન કરવાનું હોય છે. તેમજ મહારાજને વસ્તુઓ દાનમાં આપી દક્ષિણા આપવાની હોય છે. આજે છેલ્લાં દિવસે આખી રાત રાસ ગરબા કરી યુવતીઓ સાથે મળીને જાગરણ કરી વ્રત પૂર્ણ કરશે. જ્યારે બહેનોના જાગરણ દરમ્યાન છેલબટાઉ યુવાનો બહેનોને કનડગત ન કરે તે માટે પોલીસે વિશેષ આયોજન કરી છે. અને રાતભર પોલીસની શહેરમાં વોચ રહેશે.