ટંકારા : “ભાઇસાબ ખરા સમયે જ સરકારના હુડીયાવારા આયવા અને બચાવી લીધા નહીંતર અમે બધાય તો મરી ગ્યા હોત” એમ જણાંવતા મોરબી જિલ્લાના ટંકારાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા વિજયભાઇ ભારમલ આજે પણ એ ગોઝારી રાતને યાદ કરી ભયથી કાંપી ઉઠે છે. વાત છે ૧ લી જુલાઇની જયારે મોરબી જિલ્લાના ટંકારા, વાંકાનેર, મોરબી તાલુકામાં ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતી સર્જાઇ હતી. તા.૧-૭-૧૭ના રોજ સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમિયાન ટંકારા તાલુકામાં ૨૮૦ એમએમ, વાંકાનેરમાં ૧૬૨, મોરબીમાં ૧૪૧, હળવદમાં ૧૨૧ અને માળિયા તાલુકામાં ૪૫ એમએમ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ટંકારા તાલુકામાં ૧૧ ઇચ વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ ઉદ્દભવી હતી. ટંકારા તાલુકાના ખાખરા તથા લક્ષ્મીનગરના ઝૂંપડા વિસ્તારમાં ભારે પાણી ભરાઇ ગયા હતા. આ બાબતની જાણકારી મળતાં જ ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પાણીમાં ફસાયેલી કુલ ૧૯ વ્યક્તિને એનડીઆરએફ તથા મોરબી-રાજકોટની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા બચાવી લેવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં મોરબી જિલ્લામાં આવા અસરગ્રસ્ત કુલ ૧૫૨૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ટંકારા તાલુકામાં ૧૫૦ પરિવારોના ૭૦૦ લોકો, વાંકાનેર તાલુકાના ૫૫ પરિવારોના ૨૫૦ લોકો, મોરબી તાલુકાના આમરણ, ધૂળકોટ અને બેલા ગામના ૫૭૯ લોકોને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમના માટે ભોજનની અને તાત્કાલીક મેડીકલ સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટંકારા ગામના લક્ષ્મીનગર વિસ્તારમાં ઝુંપડામાં રહેતા પરિવારના કુલ ૧૧ લોકોને પાણીમાં ફસાઇ જતાં તત્કાળ બચાવ રાહતની કામગીરી કરી બચાવી લેવાઇ હતી આજે પણ આ પરિવારોના લોકોને એ ગોઝારી ઘટનાની યાદ આવતાં ભયનું લખલખું ફરી વળે છે. પાણીમાં તેઓની તમામ ઘરવખરી અને અનાજ પણ ડુબી જતાં નકામા બની ગયા છે. આ ઘટનાના સાક્ષી અને બચાવકામમાં સહભાગી બનેલા સેવાભાવી બિપીનભાઇ પ્રજાપતિ સમગ્ર ઘટનાક્રમને વર્ણવતા જણાવે છે કે, ટંકારામાં સાંબેલાધાર વરસાદને કારણે નીચાણવાળા વસ્તારોમાં પાણી ભરાઇ જતાં અનેક લોકો ફસાઇ ગયા હતા. જે પૈકી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ૧૧ લોકો જેમાં નાના-નાના ભૂંલકાઓ પણ સામેલ હતા તેઓ વિકટ પરસ્થિતીમાં હોવાની જાણ થતાં તેઓ તુરત જ ત્યાં દોડી ગયા હતા. પરિસ્થિતીનો તાગ મેળવી તેઓએ તુંરત જ આ બાબતે જિલ્લા કલેકટરશ્રી આઇ. કે. પટેલને જણાવતા તેઓએ સ્તવરે જિલ્લા વહિવટી તંત્રના સ્ટાફ અને મોરબી ખાતે મોકડ્રીલ માટે આવેલ એન.ડી.આર.એફ.ની ટીમને બચાવ અને રાહતના સાધનો સાથે ઘટના સ્થળે મોકલી આપી હતી. નીચે પાણી અને ઉપર આભ એવી વિકટ પરિસ્થિતીમાં ઝુંપડાઓની છત પર બચાવની આશાની મીટ માંડીને બેઠેલા અસરગ્રસ્ત લોકોને તેઓએ પળવારનો પણ વિલંબ કર્યા વગર બચાવી સલામત સ્થળે મોકલી આપ્યા હતા. આ દુર્ઘટનામાં બચી જનાર પત્ની અને ચાર સંતાનોનો પરિવાર ધરાવતા રોજનું રોજ મજુરી કરી પેટીયું રળતાં વિજયભાઇ ભારમલ રાજય સરકાર અને ખાસતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા કહે છે કે, પહેલા વરસાદ શરૂ થયો એટલે અમે ખુબ જ ખુશ થયા હતા. પછી ધીમે-ધીમે વરસાદનું પાણી અમારા ઝુંપડામાં ભરાવા લાગ્યું અને પાણીની સપાટી ખુબ જ વધી ગઇ હતી. એટલે હું, મારા ચાર બાળકો અને મારી ૫ત્ની ઝુંપડાની ઉપર ચડી ગયા હતા. અમે બચાવો બચાવોને ખુબ જ રાડો પાડી કોઇ નો આવ્યું પછી ક્યાંકથી ખરાસમયે જ સરકારી હુડીયા વારા આવ્યા અને અમને બચાવી લીધા નહીંતર અમે બચી શક્યા ન હોત. સરકાર અમારા જેવા નાના માણસોનું પણ ધ્યાન રાખે છે તે જાણીને અમને ખુબ જ આનંદ થયો. ભગવાનનો અને સરકારનો ખુબ આભાર. મોતને વેંત છેટું ભાળી ગયેલા કુકાભાઇ જેરામભાઇ કહે છે કે ગળાડુબ પાણીમાં જો વખતસર બચાવ ટીમે આવીને અમારા કુટુંબને બચાવ્યા ન હોત તો અમે સૌ પાણીમાં ડુબી ગયા હોત.......કેમકે જેરીતે પાણી ફરી વળ્યું હતું બચાવના આધુનિક સાધનો સિવાય બચાવ મુશ્કેલ હતો. સરકારની અને ખાસ કરીને એનડીઆરએફનોતેઓ જીવ બચાવવા બદલ ઋણ સ્વિકાર કરે છે. આવા જ એક અન્ય અસરગ્રસ્ત મનુબેન પાણી ભરાઇ જતાં ઉભી થયેલી મોતના તાંડવ જેવી પરિસ્થિતીને યાદ કરતાં જણાવે છે કે, પાણીની સપાટી ખુબ જ વધતાં વરસાદનું પાણી અમારા ઝુંપડામાં ભરાવા લાગ્યું હતું બચાવનો કોઇ ઉપાય ન મળતાં અમે એટલે કે હું, મારા બાળકો અને મારા ૫તિ ઝુંપડાની છત પર ઉપર ચડી ગયા હતા. બચાવ માટે ભગવાનને પાર્થના કરતા હતાં ત્યાંજ સરકારની બચાવ ટીમો હોડી રસ્સા અને અન્ય સાધનો લઇને અમારી વ્હારે આવી ચડી અને અમને બધાને બચાવી લીધા માત્ર એટલું જ નહીં અમને સલામત જગ્યાએ લઇ જઇને મને અને મારા બાળકોને ગરમ નાસ્તો, જમવાનું, કપડા, દવા આપી તેમજ અમારૂં ખુબ જ ધ્યાન રાખ્યું. અમારા જીવમાં જીવ આવ્યો અને થયું કે માનવતા હજી મરી પરવારી નથી સરકારે અમારી વિકટ પરીસ્થિતીમાં આટલી દરકાર લીધી એ માટે સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે. છ માણસો ના કુટુંબના મોભી એવા ૭૦ વર્ષના કાનાભાઇ લુહારીયા કહે છે કે અમે તો ગરીબ માણસો છીએ રોજની લુહારીકામની છુટક મજૂર પર નભીએ છીએ તેઓ વેરવીખેર ઘરવખરી બતાવતાં કહે છે કે ફરી વળેલા પાણીમાં મોતનું તાંડવ જોઇ અમે સૌ કોઇ હિંમત હારી ગયેલા પણ સરકાર દ્વારા મોકલાવેલી ત્વરીત બચાવ અને રાહતની ટીમે અમને સૌ કોઇને બચાવી લીધા માટે રાજય સરકાર અને બચાવવાવાળા સૌ કોઇનો ખુબ ખુબ આભાર. સરકાર અને વહિવટી તંત્ર તો ફરજ બજાવે છે પણ સમાજમાં રહેતા બીપીનભાઇ પ્રજાપતિ જાગૃત નાગરીકોને કારણે આવા કપરા સમયની કામગીરી પણ આસાન બનાવી જાય છે તેમ જણાવતાં ટંકારા ખાતે લાયઝન અધિકારી અને ડે. કલેટકર રેખાબા સરવૈયા કહે છે કે આવી કુદરતી હોનારતોમાં વહિવટી તંત્ર તો તેની કામગીરી સુપેરે બજાવે જ છે પરંતુ જાગૃત અને સેવાભાવી નાગરીક બિપીનભાઇએ સમયસર પહોંચી પરિસ્થિતીનો તાગ મેળવી સ્તવરે વહિવજ્ટી તંત્રને જાણ કરી એટલે બચાવની કામગીરી સંભવ અને આસાન બની તેમજ જાનમાલનું નુકશાન બચાવી શકાયું. વધુમાં તેઓ જણાવે છે કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસતા અતિવૃષ્ટી તથા પૂરનો માહોલ સર્જાયો હતો. જેને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી...