વર્ષ 2037- 38 સુધી અજંતા ઓરેવા કંપની સંચાલન કરશે : 2023-24થી ટીકીટના ભાવ બે રૂપિયા વધશે મોરબી : છેલ્લા ઘણા સમયથી મોરબીની શાન સમાં ઝૂલતા પુલના રીનોવેશન અને કોન્ટ્રાકટ મુદ્દે ચાલતા અવઢવ વચ્ચે અંતે આજે અજંતા ઓરેવા કંપનીને આગામી 15 વર્ષ માટે ઝૂલતા પુલનું સંચાલન સોંપવા મોરબી નગરપાલિકા દ્વારા કરાર કરી હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મોરબીની શાન સમા ઝૂલતા પુલનું સંચાલન જાણતી અજંતા ઓરેવા કંપનીને સુપરત કર્યા બાદ મુદત પૂર્ણ થતાં છેલ્લા લાંબા સમયથી કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં ન આવતા ઝૂલતા પુલની અવદશા બેઠી હતી અને ઠેકઠેકાણે પુલ તૂટી જતા જોખમી બનતા ઝૂલતા પુલને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો હતો. દરમિયાન મોરબી પાલિકા દ્વારા ફરી એક વખત ઝૂલતાપુલનું સંચાલન અને રીનોવેશન કરવા અજંતા ઓરેવા કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે અને આગામી 15 વર્ષ માટે ઝૂલતા પુલનું સંચાલન સોંપવા નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં ઝૂલતો પુલ અજંતા ઓરેવા કંપનીને સોંપવા નક્કી કરાયેલા કરાર મુજબ વર્ષ 2023 -24થી વર્તમાન પ્રવેશ ટીકીટ દરમાં રૂપિયા 2 પ્રતિવર્ષ ભાવ વધારો મંજુર કરવામાં આવ્યો છે. જો કે, શાળાના બાળકો માટે રૂપિયા 5નો ટીકીટ દર કાયમ માટે રાખવા નક્કી કરાયું છે.ઉલ્લેખનીય છે કે કરાર મુજબ અંદાજે આઠથી બાર મહિના સુધી રીનોવેશન કામગીરી ચાલે તેમ હોવાનું જણાવાયું છે.