પોતાના ઘરમાં કરોડોનું ડ્રગ્સ છુપાવનાર આરોપી મૂળ બાબરા તાલુકાના ખીજડિયા ગામનો સમસુદીન દોઢ વર્ષથી ઝીંઝુડા ગામમાં રહેતો હતો : અગાઉ જુગાર કેસમાં પકડાયો હતો મોરબી : મોરબી તાલુકાના આમરણ નજીક દરિયાથી માત્ર બે કિલોમીટર દુર વસેલા નાના એવા ઝીંઝુડા ગામમાંથી એટીએસ અને મોરબી એસઓજીએ સયુક્ત રીતે રૂ.600 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી લેવા પ્રકરણમાં જેના રહેણાંકમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો તે સમસુદીન પીરઝાદા ગામ લોકો અને પોલીસની નજરથી બચી શકાય તે માટે દોરા- ધાગાના ધતિંગ કરતો હોવાનું અને સીધા સાદો વ્યક્તિ હોવાનો આંચળો ઓઢી દોરા - ધાગાના અને જોવાના કામના નામે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. મોરબી જિલ્લાના છેવાડે આવેલ અને દરિયા કાંઠાથી માત્ર બે કિલોમીટર દૂર આવેલ ઝીંઝુડા ગામમાંથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાતા ગામ લોકો ડ્રગ્સ છુપાવનાર સમસુદીન પીરઝાદા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. 1800 લોકોની વસ્તી ધરાવતા ઝીંઝુડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને કોળી સમાજની વસ્તી આવેલી છે. હેરોઇન ડ્રગ્સ કન્સાઈમેન્ટ પોતાના ઘરમાં છુપવાનારો સમસુદીન પીરઝાદા મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડિયા ગામનો વતની છે અને ઝીંઝુડા ગામનો ભાણેજ હોય છેલ્લા દોઢેક વર્ષથી તે ઝીંઝુડા ગામે રહેવા આવ્યો હોવાનું અને અહીં દોરા, ધાગા અને જોવાનું કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું ગામના જ સમસુદીનભાઈ જણાવે છે. વધુમાં ઝીંઝુડા ગામના આગેવાન એવા સમસુદીનભાઈ કહે છે કે, ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ ગયેલા સમસુદીને અમારા ગામને કલંકિત કર્યું છે. આ ગામના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. આ અગાઉ સમસુદીન જુગાર રમતા ઝડપાઇ ગયો હોવાનું તેમને ઉમેરી જોવાનું અને દોરા ધાગાનું કામ કરતો હોય લોકોની વ્યાપક અવર જવર તેના ઘરે રહેતી હોય લોકોને આવા ગોરખધંધા અંગે કોઈ જાણકારી ન હોવાનું પણ તેમને ઉમેર્યું હતું. હાલમાં મોરબી એસઓજી અને એટીએસની ટીમ આરોપીઓ સાથે હજુ પણ ઝીંઝુડા ગામમાં તપાસનો દૌર ચલાવી રહી છે અને હેરોઇન ડ્રગ્સ પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ સ્થાનિક ચાલતી હોય ગ્રામજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..