સન્માન સમારોહમાં તેજસ્વી તરલાઓનું સન્માન કરાયું મોરબી : તાજેતરમાં મોરબી ખાતે ઝાલાવડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું હતું જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ-મોરબી દ્વારા ૧૮મો સ્નેહમિલન સમારોહ જીવરાજભાઈ નાગજીભાઇ કુલતરિચાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જે અંતર્ગત સમાજના વડીલો તેમજ શ્રેષ્ઠીઓના હસ્તે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, સ્નાતક, અનુસ્નાતક, મેડિકલ તેમજ GPSC/UPSC ના ઝળહળતા તેજસ્વી તારલાઓનું શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝાલાવાડ સમાજના બાળકોનો દેશભકિતની ઝાંખી કરાવતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહયો હતો. સમારોહમાં આમંત્રિત મહેમાનોમાં પ્રાણજીવનભાઇ (પ્રમુખશ્રી ક.પા.કે.મંડળ-માલવણ), ગણેશબાપા (પ્રમુખશ્રી ક.પા.કે.મંડળ-ધ્રાંગધ્રા), ઇશ્વરભાઇ નથુભાઈ (માજી પ્રમુખશ્રી ક.પા.કે.મંડળ-માલવણ), તેમજ ઝાલાવાડ ક.પા.કે.મંડળ-મોરબીના પ્રમુખ દિલિપભાઇ સાદરિયા તેમજ ઉપપ્રમુખ વિનોદભાઈ લેંચિયા, ગોવિંદભાઈ વરમોરા, પરેશ પટેલ, અંબારામભાઇ કવાડિયા, મનસુખભાઈ દલસાણિયા, મગનભાઇ કુલતરિયા, રામજીભાઈ અઘારા, રામજીભાઇ ભોરણીયા, મોટા સાહેબ તથા સમાજના અન્ય મહેમાન તેમજ વડીલો ઉપસ્થિત રહયા હતા. ઝાલાવાડ સમાજે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમાજના દરેક કુટુંબોએ પ્લાસ્ટીકની બેગ નહિ વાપરવાનો સંકલ્પ કરી સમગ્ર સમાજને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. જે અંતર્ગત ખરીદી કરવા વિશેષ 3000 બેગનું માકાસણા વાસુદેવભાઇ દ્વારા દરેક પરીવારને વિતરણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં સમાજના વર્તમાન પ્રમુખ દિલિપભાઇ સાદરિયા પ્રમુખપદેથી નિવૃત થતા સમાજના વડીલોએ વિનોદભાઇ લેંચિયાની ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળના નવા પ્રમુખ તેમજ પ્રકાશભાઇ કાચરોલાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સમારોહનું સુંદર અને સફળ સંચાલન મહેશભાઈ ભોરણીયા અને પરેશભાઈ દલસાણીયાએ કર્યું હતું.