મોરબી : આપણા શાસ્ત્રોમાં પુરૂષોત્તમ માસનું ખુબ જ મહત્ત્વ રહેલું છે. પુરૂષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ સાથે દાન પુણ્ય કરવાનું પણ એટલું જ મહાત્મ્ય રહેલું છે ત્યારે મોરબીના વરીયા પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા અબોલ જીવો માટે એક ટન સુખડી બનાવી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મોરબીના વરીયા પ્રજાપતિ સમાજના 20 જેટલા યુવાનો દ્વારા અબોલા જીવ માટે 1 ટન જેટલી સુખડી બનાવવામાં આવી હતી. તેમજ આ 1 ટન સુખડીને ગાય, કુતરા જેવા અબોલા જીવને ખવડાવવામાં આવી હતી. આ કાર્ય કરીને પુરૂષોત્તમ માસમાં યુવાનોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને અનેક લોકોને આ પ્રકારનું કાર્ય કરવા પ્રેરણા પુરી પાડી હતી.