બે વર્ષ પૂર્વે ભાગીદારીમાં ધંધો કરતા ખોટ ગઈ હોય પૂર્વ ભાગીદારે ચાર શખ્સો સાથે મળી યુવકને બેફામ માર માર્યોમોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા યુવાને બે વર્ષ પૂર્વે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યા બાદ ધંધામાં રૂ.11 લાખની ખોટ જતા ભાગીદારે ખોટના રૂપિયા આપવા દબાણ કરતા ઘર છોડી ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું હતું.જો કે, ગત તા.16ના રોજ પૂર્વ ભાગીદારે યુવકને ભક્તિનગર સર્કલ પાસે મંડપના ગોડાઉન ખાતેથી અપહરણ કરી બેફામ માર મારી જાંબુડિયા નજીક કારખાનામાં ગોંધી રાખતા આ ચકચારી બનાવમાં પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા વિશાલ રાજેશભાઇ શેરસિયા ઉ.29 નામના યુવકે આરોપી ગિરીશ મગનભાઈ આંખજા, રાજુભાઇ ઝાલા, ભરતભાઇ બાટી, અલ્તાફ જીવાણી અને ઇમરાન ઉર્ફે ગટ્ટી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,બે વર્ષ અગાઉ ફરિયાદીએ આરોપી ગિરીશ આંખજા સાથે ભાગીદારીમાં રફાળીયા ખાતે ધંધો શરૂ કર્યો હતો. જેમાં રૂ.11 લાખની ખોટ જતા કંપની બંધ કરી દીધી હતી. જો કેઝ ભાગીદારીમાં ખોટ આવ્યા બાદ આરોપી ગિરીશ અવાર નવાર ફોન કરીને તેમજ રૂબરૂ રૂપિયાની ઉઘરાણી કરતો હોય ફરિયાદી વિશાલે ફોન નંબર બદલી ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું.દરમિયાન પૂર્વ ભાગીદાર ગિરીશ આંખજાના ત્રાસ અને પઠાણી ઉઘરાણીને કારણે વિશાલે ઘેર જવાનું બંધ કરી દીધું હતું. જેમાં ગત તા.16ના રોજ ફરિયાદી વિશાલ ભક્તિનગર સર્કલ પાસે તેના મિત્રના મંડપ સર્વિસના ગોડાઉન ખાતે જતા આરોપી ગિરીશ, રાજુ ઝાલા, ભરત બાટી, ઇમરાન ઉર્ફે ગટ્ટી અને અલતાફ જીવાણી જીજે - 36 - એએફ - 8771 નંબરની ક્રેટા કાર સાથે ધસી આવ્યા હતા અને ગોડાઉનમાં હથોડા અને કોષ વડે માર મારી બાદમાં કારમાં અપહરણ કરી જાંબુડિયા નજીક આવેલ હિમાલિયા કારખાને લઈ જઈ ગોંધી રાખ્યો હતો.આરોપીએ કોઈપણ ભોગે રૂપિયા પરત આપવાનું કહી બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી પાંચેય આરોપીઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.