મોરબી : મોરબીના વાંકાનેર હાઇવે પર બંધુનગર ગામ પાસે તારીખ 12 ઓક્ટોબરના રોજ થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમ્યાન મોત થયું છે. ગત તારીખ 12ના રોજ બંધુનગર ગામ પાસે સાંજે 7 વાગ્યાના અરસામાં અરુણ કોતીક પાટીલ ઉં.વ. 40, રહે. મૂળ પચોરા, જલગાંવ, મહારાષ્ટ્ર, હાલ મોરબીને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે ચડાવ્યો હતો. આથી ઇજાગ્રસ્ત થયેલા યુવકને પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યાંથી બુરહાનપુર એમ.પી. ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત થયું હતું. આથી મધ્યપ્રદેશથી આ બાબતે પોલીસ કાગળો મોરબી પો.સ્ટે.માં આવતા તાલુકા પોલીસે બનાવની નોંધ અકસ્માત કરી નાસી છૂટેલા ટ્રક ડ્રાયવરની શોધ તેજ બનાવી છે. આ બનાવની તપાસ હિતેષભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.