મોરબી : 2020ના આગમનને વધાવવા અને 2019ને ગુડબાય કહેવા મોટાભાગના યુવાનોએ અગાઉથી ઘણા આયોજનો કરી રાખ્યા હતા. આજનું યુવાધન ઉત્સવની ઉજવણીમાં ધમાલ-મસ્તી, ડીજે, ખાણી-પીણીમાં અઢળક ખર્ચો કરતા ખચકાતો નથી. જો કે આવી ઉજવણી સ્વઆનંદ માટે કરાતી હોય છે ત્યારે મોરબીના અમુક યુવકોએ 31'st ની અનોખી ઉજવણી કરીને એક નવો ચીલો ચાતર્યો હતો. મોરબીમાં રહેતા નેવીલભાઈ પંડિત, પારસભાઈ મેહતા અને પ્રશાંતભાઈ વાઘડિયા સહિતના મિત્રો પાછલા 10 વર્ષોથી નવા વર્ષની વિશિષ્ટ ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષે પણ તેઓએ એ પરંપરા જાળવી રાખી હતી. 31 ડિસેમ્બરની રાત્રીએ આ મિત્રોએ બાલાશ્રમના બાળકો તેમજ વૃધ્ધાશ્રમના વડીલો સાથે ધમાકેદાર ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમ્યાન સહુએ સાથે મળીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને બાળકો ડીજેના તાલે ઝુમ્યા હતા. 2020ના નવા વર્ષને વધાવતા કાર્યક્રમને અંતે સહુએ સાથે અલ્પાહાર લીધો હતો. નિરાધાર બાળકોને આ મિત્રોમાં તેઓના વાલીના દર્શન થયા હતા તો વડીલોએ આ મિત્રોમાં તેઓના સંતાનના સાચા પ્રેમની અનુભૂતિ કરી હતી.