ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં અરેરાટી હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનનું વીજ શોક લાગતા મોત નીપજ્યું છે. મૃતકની લાશને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (ઉ.વ.27) ગામની સીમમાં આવેલ વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી મજૂરીકામ કરતા હતા. આજે બપોરના સમયે તળશીભાઇ વાડીએ મોટર ચાલુ કરી રહ્યા હતા તે વેળાએ વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવના પગલે ગામના સરપંચ સહિત આગેવાનો મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પોલીસને જાણ કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક તળશીભાઈ ત્રણ બહેનોનો એકના એક ભાઈ હતો.મૃતક ના પિતા નું પણ દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હોય જેથી તરસીભાઇ જ પરિવારનો આધાર સ્તંભ હતા. તળશીભાઇને સંતાનમાં એક વર્ષનો દીકરો અને અઢી વર્ષની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.