ઓમવીવીઆઈ કોલેજ પાસે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદમોરબી : મોરબીના શનાળા રોડ પર ઓમવીવીઆઈ કોલેજમાં એલએલબીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે હિન્દૂ અને મુસ્લિમ જ્ઞાતિના છોકરા - છોકરીમાં લગ્ન કરાવી આપવા મુદ્દે અભ્યાસની સાથે પ્રેક્ટિસ કરતા યુવક પર અન્ય બે વિદ્યાર્થીઓએ કોલેજની બહાર હુમલો કરતા બનાવ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા અને ઓમવીવીઆઈ કોલેજમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસની સાથે જ રેવન્યુ અને કોર્ટ પ્રેક્ટિસ કરતા જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા ઉ.26 નામના યુવકે આરોપી યુવરાજ ગઢવી અને આરોપી સાહિલ સુમરા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે અભ્યાસ સાથે પ્રેક્ટિસ કરતા હોય તેમની સાથે અભ્યાસ કરતા આરોપીને રેવન્યુ કે કોર્ટના કામ માટે કહ્યું હતું.જેથી આરોપીઓએ હિન્દૂ - મુસ્લિમ છોકરા - છોકરીના લગ્ન કરાવી આપવાનું કહેતા ફરિયાદી જયરાજસિંહે ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ હુમલો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.જ્યારે સામાપક્ષે મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં રહેતા સાહિલ દાઉદભાઇ સુમરાએ આરોપી જયરાજસિંહ દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીને હિન્દૂ - મુસ્લિમ છોકરા છોકરીના ઇન્ટરકાસ્ટ મેરેજ અંગે પૂછતાં મુસ્લિમ લગ્ન નથી કરાવી આપતો કહી ફરિયાદી તેમજ સાહેદ યુવરાજ સાથે ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇજાઓ કરી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.