તમારી લીટી લાંબી કરવા અન્યની લીટી ટૂંકી કરવાનું બંધ કરી ખમૈયા કરો તો સારું મોરબી : દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ... વડતાલ સ્વામિનારાયણ મંદિરના પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ વિવાદિત વાંક્યો સામે ફરી વિવાદ સર્જાયો છે અને કૃષ્ણભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના ભાવેશ્વરીદેવી માતાજીએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, તમારા સંપ્રદાયને હજુ 150 વર્ષ જ થયા છે, ભગવાન શ્રી કૃષ્ણ આદિઅનાદિ કાળથી છે માટે નીચ વિચારધારા બંધ કરી ખમૈયા કરો તો સારું છે.છેલ્લા એકાદ વર્ષથી સ્વામિનારાય સંપ્રદાયના સંતો દ્વારા સનાતનધર્મનું અપમાન થાય તેવા પ્રવચનો કરવાની સાથે જ શ્રધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવા કૃત્ય સાથેના લખાણ વાળા પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વિશ્વ વંદનીય પૂજ્ય જલારામ બાપા વિષે ઘસાતું બોલી ટિપ્પણી કરવામાં આવતા વિવાદ સર્જાયા બાદ વડતાલ સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવી દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ જેવા શબ્દ પ્રયોગ કરવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે.બીજી તરફ સ્વામિનારાયણ સંસ્થાના પુસ્તકમાં વિવાદિત લખાણ મામલે ચોતરફ રોષ જોવા મળી રહ્યો છે અને માલધારી સમાજ વિરોધમાં આગળ આવ્યો છે તેવા સમયે જ મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી માતાજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આવી વિચારધારા બંધ કરવા સ્પષ્ટ જણાવી કહ્યું હતું કે, તમારા ધર્મને હજુ 150 વર્ષ જ થયા છે અને ભગવદ ગીતાના રચયિતા ભગવાન શ્રીકૃષ્ણ આદિઅનાદિ કાળથી છે. તમે પણ તમારા મંદિરમાં માતાજી અને ભગવાનની મૂર્તિઓ રાખી પૂજા કરો છો ત્યારે આવા બકવાસ બંધ કરી હિન્દૂ ધર્મની રક્ષા માટે એક બનીને રહેવા ટકોર કરી પોતાની લીટી લાંબી કરવા અન્યોની લીટી ટૂંકી કરવાનું બંધ કરવા રોષ પૂર્વક જણાવ્યું હતું.