ગેરકાયદે દબાણોને કારણે ચોમસામાં ભારે વરસાદથી સ્થાનિક રહીશો મોટી આફ્તમાં મુકાય જાય તેવી ગંભીર સ્થિતિ : દબાણો દૂર ન થાય તો સ્થાનિક રહીશોને સાથે રાખીને આંદોલન કરવાની આપની ચીમકી મોરબી : મોરબીના પોશ વિસ્તાર આલાપ રોડ ઉપર રાજકીય ઓથ હેઠળ દબાણો ખડકાયાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના મોરબીના હોદ્દેદારોએ પાલિકા તંત્રને રજુઆત કરી છે.જો કે આલાપ રોડ ઉપર આડેધડ ખડકાયેલા ગેરકાયદે દબાણોને કારણે દર વખતે ચોમાસામાં પાણી ભરાવવાની મોટી મુસબીત સર્જાઈ છે. આ ગંભીર બાબતે યોગ્ય પગલાં ન લેવાય તો આવનાર ચોમાસામાં ભારે વરસાદથી આનાથી પણ વધુ ગંભીર પરિણામો આવી શકે એમ છે. જો કે સ્થાનિક લોકોએ અનેક વખત તેમના વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની તંત્રને રજુઆત કરી છે. ત્યારે હવે આ રજુઆત પછી કોઈ કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની આપે ચીમકી આપી છે.મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો પરેશભાઈ પરિયા સાહિતનાએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરના વજેપર સર્વે નંબર પર આવેલ આલાપ રોડ પર છેલ્લા ચાર વર્ષથી પ્રજાહિતમાં નહિ પણ એકલ દોકલ લોકોના હિત ખાતર રાજકીય ઓથ હેઠળ ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે. આ દબાણની શરૂઆત વખતે સ્થાનિકોની રજુઆતને પગલે ગત તા.૧૦/૨૦૧૭માં તત્કાલીન જિલ્લા કલેક્ટર દ્વારા આલાપ રોડ ઉપર ગેરકાયદે ખડકાયેલા દબાણોને દૂર કરવાના મામલતદાર મોરબી અને ચીફ ઓફિસર નગરપાલિકને હુકમો આપ્યો હતો. તેમ છતાં આ હુકમોને રાજકીય દબાણ વશ થઈને અમલવારી કરાઈ ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હાલની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. આલાપ રોડ પર આવેલ પાણીના નિકાલ માટેનો પૌરાણીક વોકળાની પહોળાઈ આશરે ૫૦ ફુટ અને ઊંડાઈ આશરે ૭ ફૂટને સમતલ કરી નાખવામાં આવી છે. વોકળા બુરવાનો માત્ર એક જ હેતુ પાછળ આવેલ ખેતરોમાં રહેણાંક મકાનો બનાવવા માટે પ્લોટિંગ પાડવામાં આવ્યા તેનો છે. ગત ચોમાસે પણ આ વિસ્તારના ઘરોમાં ૧ થી ૫ ફૂટ પાણી ભરાય ગયા હતા અને ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ હતી. તેમ છતાં પ્રજાહિતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલ તો ખુલ્લામાં બિલ્ડીંગ મટીરીયલ પણ ફેંકવામાં આવી રહ્યું છે, જે ખરેખર બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ ૨૦૧૬ હેઠળ કાયદેસર ગુનાહિત પ્રવુતિ છે તેમ છતાં મોરબી નગરપાલિકા કઈ પણ કાર્યવાહી ન કરતા આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી નગરપાલિકાને આવેદન આપી તાત્કાલિક પ્રજાહિત માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અન્યથા આગામી ૧૩/૦૧/૨૦૨૦ના રોજથી પ્રજાહિત માટે આંદોલન અને કાયદાનો સહારો લઈને અન્ય કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.