શ્રમદાન કરીને સેવા આપવા ઇચ્છુંક યુવાનોને પણ આગળ આવવા સેવાભાવી અગ્રણી અજય લોરીયાની હાંકલ મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલ સ્ટાફની અછત વર્તાતી હોય ઓકિસજનના બાટલા બદલવા માટે સ્ટાફ ન હોય અનેક જિંદગીઓ છીનવાઈ છે. ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સેવાભાવી અગ્રણી અજય લોરીયાએ યુવાનોની આકર્ષક પગારધોરણથી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સાથે શ્રમદાન કરી સેવા આપવા ઇચ્છુંક યુવાનોને પણ આગળ આવવા અપીલ કરાઈ છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલ સ્ટાફની અછત છે. ખાસ કરીને રાત્રીના સમયે ઓકિસજનના બાટલા પૂર્ણ થઈ ગયા બાદ આ બાટલા બદલાવવા માટે સ્ટાફ હોતો જ નથી. જેને પગલે ગઈકાલે રાત્રીના 5 લોકોના ભોગ લેવાયા હતા. ત્યારે સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અજયભાઈ લોરીયા આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આગળ આવ્યા છે. તેઓએ જણાવ્યું છે સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે બાટલા બદલવા માટે આકર્ષક પગારધોરણ ઉપર યુવાનોની નિમણુંક કરવામાં આવશે. આ માટે યુવાનો તુરંત જ અજયભાઇ લોરીયા મો.નં.99134 33333 નો સંપર્ક કરે. આ સાથે શ્રમદાન કરીને સેવા આપવા ઇચ્છુક ઉમેદવારોને પણ તેઓએ આગળ આવવા માટે હાંકલ કરી છે. મોરબીમાં વિવિધ યુવાનોના ગ્રુપ તેમજ મંડળો ચાલે છે. જેમાના એક-એક ગ્રુપ માત્ર 3થી 4 દિવસની સેવા આપશે તો સિવિલમાં સ્ટાફની અછતનો પ્રશ્ન નિવારી શકાશે.