માળીયા (મી.) : સમાજમાં બનતી સારી નરસી દરેક ઘટનાઓને જે છે -તે જ સ્વરૂપે લોકો સમક્ષ ઉજાગર કરતા પત્રકારોનું જીવન એમની દિનચર્યા પ્રમાણે જ વ્યસ્તતાથી ભરેલું હોય છે. દર્દીના ઓપરેશન સમયે ડોકટરનો હાથ કંપતો નથી કેમકે એ તેના પ્રોફેશનનો એક ભાગ છે. આ જ રીતે પત્રકાર પણ ગમે તેવી ઘટનાનું રિપોર્ટિંગ કરતી વખતે ભાવનાઓમાં આવી જતો નથી. જો કે પત્રકારો પણ માનવીય સંવેદના ધરાવતા હોય છે, પણ રિપોર્ટિંગ કરતા સમયે કાળજું કઠણ રાખીને બનેલા બનાવનું નિરૂપણ વાંચકો-દર્શકો સામે કરવું પડતું હોય છે. અલબત્ત ક્યારેક એવા બનાવો પણ પત્રકારોના જીવનમાં બને છે કે એ સમયે તેઓની માનવીય સંવેદના પ્રગટ થયા વગર રહેતી નથી. એવો જ એક ઘટનાક્રમ માળીયા મી.ના પત્રકાર-રિપોર્ટર કાસમ સુમરા સામે બની ગયો અને એમની માનવીય સંવેદના ઉજાગર થઈ આવી. કાસમભાઈ સુમરા જેપુર નજીક ખાનગી વાહનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પરપ્રાંતીય બાળક અલ્ટો કારની ઠોકરે ચડ્યું. આ બનાવ નજર સમક્ષ બનતા તેઓએ પોતાની કાર થોભાવી. અલબત્ત જે કારની ઠોકરે બાળક ચડ્યું હતું એ કાર ચાલકે પણ માનવતા દાખવી પોતાની જવાબદારી અને ભૂલ સમજી પોતાની કાર સાઈડમાં રોકી લીધી હતી. અકસ્માતગ્રસ્ત બાળક 100 ફૂટ જેટલું હવામાં ઉછળીને સામેની બાજુએ પડતા કસમભાઈએ નજરોનજર નિહાળ્યું હતું. લોકો એકઠા થઇ ગયા હતા. કાસમભાઈ ઝડપથી એ બાળક પાસે પહોંચ્યા અને તેમણે જોયું તો બાળકનો શ્વાસ બંધ થઈ ગયો હતો. આથી તેઓએ બાળકની છાતી પર પ્રોપર રીતે હાથથી પ્રેસર આપવાનું શરૂ કર્યું. આશરે બે મિનિટ સુધી સતત પંપિંગ કરવાથી બાળક ફરી શ્વાસ લેવા લાગ્યું. બાળકનું એ સમયનું રુદન સાંભળી ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો. બાળકનો નવો જન્મ જ થયો હોય એવો હર્ષ લોકોએ વ્યક્ત કર્યો ત્યારે કાસમભાઈએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં આવતા વિડીઓમાં મેં આવા સમયે કૃત્રિમ પંપિંગ કઈ રીતે આપી શકાય તે ઘણી વખત નિહાળ્યું હતું. જે આજે એક શ્રમિકના બાળકને નવજીવન આપવામાં નિમિત્ત બન્યું તે બદલ હું કુદરતનો આભારી છું. બાળકની સ્થિતિ થોડી ભયમુક્ત બનતા જે અલ્ટો કારથી બાળક ઇજાગ્રસ્ત થયું હતું એ કાર ચાલક સાથે કસમભાઈએ વધુ સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડયું હતું. ત્યારે ઉપસ્થિત રાહગીરોએ એક પત્રકારની માનવીય સંવેદનાને બિરદાવી હતી.