રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે એક મહિલા સહિત છ શખ્સો સામે હત્યાની કલમ ઉમેરી મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં ત્રણેક અગાઉ દિવસ માવા-ફાકીના પૈસાની ઉઘરાણી મામલે છ શખ્સો તલવાર ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે એક પરિવાર ઉપર તૂટી પડ્યા હતા. આ ખૂની હુમલામાં એ પરિવારના ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા.જ્યાં એક એક યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં રહેતા વેલજીભાઈ નથુભાઈ શેખવા (ઉ.વ.55) એ ત્રણ દિવસ અગાઉ તે જ ગામમાં રહેતા ચુનીલાલ વધોરા, કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વધોરા, રાકેશ ચુનીલાલ વધોરા, મોહન રવજી વધોરા, હસું મોહન વધોરા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, પ્રેમજીનગરમાં આવેલ મોહન રવજીની દુકાન પાસે એક આરોપીએ ફરિયાદીના દીકરાના ગુલાબભાઈની દુકાનેથી બે દિવસ પહેલા માવા-ફાકી લીધા હોય જેના પૈસા માંગતા મામલો બીચકાયો હતો. ઉશ્કેરાયેલા તમામ આરોપીઓએ તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારોથી સાહેદ જયેશભાઇ અને સુનિલભાઈ ઉપર હુમલો કરી માથા તેમજ શરીરે આડેધડ માર માર્યો હતો. તેમજ આરોપીઓએ સાહેદ ગુલાબભાઈને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર તલવાર અને ધોકા પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ધવાયેલા ત્રણેય વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જેમાં ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગુલાબભાઈ વેલજીભાઈ શેખવા (ઉ.વ.29) નું આજે સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાજકોટ દોડી ગયો છે અને મૃતકના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી આ બનાવ અંગે છ આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ છે.