બે વર્ષથી પુત્ર ગુમ હોવા છતાં પોલીસ તપાસમાં કોઈ નક્કર પરિણામ ન મળતા પરિવાર હતાશ, આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકીમોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર રોડ પર રોયલ પાર્કમાં રહેતા પ્રભાત માંડણ રાઠોડનો 25 વર્ષીય પુત્ર સરમણ પ્રભાત રાઠોડ છેલ્લા 2 વર્ષથી ગુમ છે. આ મામલે પોલીસમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ભાળ ન મળતા હતાશ થયેલા પિતાએ હવે આ કેસની તપાસ LCB અથવા SOG ને સોંપવાની માંગ કરી છે.પ્રભાત રાઠોડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમનો 25 વર્ષનો પુત્ર સરમણ રાઠોડ સિમ્પોલો સિરામિકમાં નોકરી કરતો હતો. ગત તારીખ 10/06/2024 ના રોજ બપોરના 1 વાગ્યાની આસપાસ તે ઘરે જમીને કોઈને કહ્યા વગર પોતાનો મોબાઈલ અને એક્ટિવા ઘરે મૂકીને નીકળી ગયો હતો. ત્યારબાદ તે પરત ન ફરતા મિત્રો અને સગાસંબંધીઓમાં ભારે શોધખોળ કરી હતી.કોઈ જ પત્તો ન લાગતા આખરે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુદા જાણવા જોગ 9/2024 થી નોંધ કરાવવામાં આવી હતી. જોકે, બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોલીસને સરમણની કોઈ જ ભાળ મળી નથી. પ્રભાત રાઠોડે તારીખ 20/05/2026 ના રોજ મોરબી એસ.પી. ને પણ લેખિત અરજી આપી હતી, પરંતુ કોઈ જ સંતોષકારક જવાબ કે પરિણામ મળ્યું નથી.અરજદાર પિતાએ પોલીસ તરફથી યોગ્ય સહકાર ન મળતો હોવાનો આક્ષેપ કરતા તેમણે માંગ કરી છે કે, આ કેસની સઘન તપાસ LCB અથવા SOG અથવા CID જેવી એજન્સીને સોંપવામાં આવે. જો યોગ્ય એજન્સી દ્વારા તપાસ કરી તેમના પુત્રને શોધી કાઢવામાં નહિ આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ, આંદોલન કે આત્મવિલોપન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.#Morbi #MorbiUpdate #MissingPerson #MorbiPolice #GujaratNews #JusticeForSarman #MorbiNews