મૃતકના પિતાએ બે શખ્સો સામે પોતાના પુત્રને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વધુ એક વ્યાજખોરોના ત્રાસનો બનાવ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવાનને ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ બે શખ્સો સામે પોતાના પુત્રને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કચ્છના રાપર તાલુકાના મોમાયમોરા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રમેશભાઇ વજેરામભાઇ દાદલ (ઉ.વ.૫૩) એ આરોપીઓ યોગેશ ઉર્ફે મુન્નાભાઇ વાલાભાઇ સબાડ (રહે-ગોપાલ સોસાયટી મોરબી-૦૨) અને બળદેવ કરશનભાઇ કુવાડીયા (બી.કે. આહીર રહે-વાવડી રોડ મોરબી) સામે બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૦૪મા રહેતા દિકરા પારસભાઇ રમેશભાઇએ અગાઉ એક આરોપી પાસેથી પોતાનુ બાર તોલા સોનુ ગીરવે મુકી રૂ.૩,૫૦,૦૦૦ ઉચા વ્યાજે લીધા હતા. તેમજ બીજા આરોપી પાસેથી પોતાની મહીંદ્રા કંપનીની કાર ગીરવે મુકી રૂ.૨,૭૦,૦૦૦ ઉચા વ્યાજે લીધા હતા. આ રકમ આરોપીઓને ચુકવાઇ જવા છતા આરોપીઓએ યુવાન પાસે વ્યાજના રૂપીયાની અવારનવાર કડક ઉઘરાણી કરી દબાણ કરતા હોવાથી આ બન્ને વ્યાજખોરોની રોજરોજની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈને પારસભાઇ રમેશભાઇએ ગત તા.૨૪ સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી, દીકરાની અંતિમક્રિયા પુરી કરીને આજે મૃતકના પિતાએ બન્ને વ્યાજખોરો સામે પુત્રને મરવા માટે મજબુર કરતા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate