માળીયાના મોટા દહીંસરા ગામે નવ દિવસ પહેલા બનેલી ઘટનાનો આરોપીએ જ માર મારતા-મારતા વીડિયો બનાવ્યો માળીયા (મી.) : માળીયાના મોટા દહીંસરા ગામે ઘેટું ખરીદવા મામલે એક શખ્સે યુવાનને લાકડીથી ઢોર માર માર્યો હોવાનો બનાવ બહાર આવતા ચકચાર મચી ગઇ છે. જો કે આ નવ દિવસ પહેલના બનાવમાં આરોપીએ જ ઉતારેલો વિડીયો વાયરલ થયા બાદ માળીયા પોલીસે કાર્યવાહી કરી હતી. હાલ યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણાના જુમ્માવાડી (નવલખી)માં રહેતા આમદભાઇ હુશૈનભાઇ પરીટ (ઉ.વ.-૨૪) એ આરોપી ટીડાભાઇ (રહે-વર્ષામેડી, તા-માળીયા મીંયાણા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૨૬ મેના રોજ ફરિયાદી યુવાન માળીયાના મોટા દહીસરા ગામની સીમમાં આરોપી પાસે ઘેટું લેવા ગયો હતો. ત્યારે આ બાબતે સારું ન લગતા આરોપીની કમાન છટકી હતી અને આરોપીએ બેફામ ગાળો આપીને ફરિયાદ યુવાનની લાકડી વડે ધોલાઈ કરી હતી. જો કે ફરિયાદી યુવાન પોતાને માફ કરી દેવા રીતસર કાકલૂદી કરી હતી. આમ છતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈને આડેધડ લાકડી વડે યુવાનને ઢોર માર માર્યો હતો. જેથી, યુવાનને ગંભીર ઇજા થઇ હતી. દરમિયાન આ બનાવનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજી તરફ યુવાનને ઢોર માર માર્યો હોવાથી ગંભીર ઇજા થઇ હોય ગઈકાલે દુ:ખાવો ઉપડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવ અંગે યુવાને પોતાના માતા-પિતાને વાત કરતા આખો મામલો બહાર આવ્યો હતો અને પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને પકડી લેવા તપાસ હાથ ધરી છે.