વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાહનો સામસામે આવી જવા મામલે યુવક પર છરી વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 24ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં સોયબભાઇ અલીભાઇ બાદી મસ્જીદે નમાજ અદા કરી પોતાના મો.સા. પર ઘરે જતા હતા. ત્યારે આ આરોપી પુષ્પરાજસિંહ વાળા (રહે. ગારીયા, તા. વાંકાનેર) પોતાનું ફોરવ્હીલ કાર લઇ સામે રોડ પર ફરીયાદી સોયબભાઈના મો.સા. સામે આવવા દેતા સોયબભાઇએ આરોપીને પોતાની કાર સાઇડમાં ચલાવવાનુ કહ્યું હતું. આથી, આરોપી પુષ્પરાજસિંહે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી હતી. તેમજ ફરીયાદીની પાછળ ફરીયાદીની દુકાને જઇ ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ગાળો આપી પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદી ઉપર હુમલો કરવા ગયો હતો. ત્યારે ફરીયાદી સોયબભાઇ સાઇડમાં ખસી ગયા હતા. અને ફરીયાદીને ડાબા પડખે કમરના ઉપરના ભાગે છરી મારી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.