વાંકાનેરના હસનપરનો ચોંકાવનારો બનાવ : પ્રેમપ્રકરણ કારણભૂત વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે પ્રેમ પ્રકરણમાં સગીરા અને યુવાને બાવળના ઝાડમાં લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે સ્મશાન પાસે બાવળના ઝાડમાં યુવક અને યુવતીની લાશ લટકતી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વાંકાનેર સીટી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બન્ને હસનપર ગામના જ હોવાનું અને પ્રેમ પ્રકરણમાં બન્નેએ આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. મૃતક યુવાનનું નામ સંજય બટુકભાઈ સારલા (ઉ.૨૨) અને આજ ગામમાં રહેતી સગીરાએ બાવળના ઝાડમાં સજોડે લટકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક સગીરા અને યુવાન હસનપરમાં બાજુ-બાજુમાં જ રહેતા હોવાનું અને બન્નેના પ્રેમ સંબંધ બાબતે પરિવારજનો પણ વાકેફ હોવા ઉપરાંત રાજીખુશીથી લગ્ન કરાવી દેવા પણ અગાઉ પ્રયાસો થયા હતા પરંતુ બન્ને કુટુંબ વચ્ચે એકમત ન થતા ગત રાત્રીના સગીરા અને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.