યુવાનોને પોલીસ અને આર્મીની ભરતીમાં લેવાતી શારિરીક કસોટીની અપાય છે તાલીમમોરબી : પોલીસ અને પીએસઆઈની ભરતીમાં યુવાનો પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સરકારી નોકરી મેળવી શકે તે માટે દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા સર્વ સમાજના યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.યંગ ઈન્ડિયા ગ્રુપના દિલીપભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. અમારા મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન અને ખાસ દેખરેખ હેઠળ આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. જેમાં યુવાનોને પ્રિ-વર્કઆઉટ કેમ કરવું ? પોસ્ટ વર્કઆઉટ કેમ કરવું ? દોડ કેવી રીતે કરવી ? વગેરે ટ્રેનિંગ મોરબીના અનુભવી ટ્રેનર મનીષભાઈ અગ્રાવત, કુલદિપભાઈ ગઢવી, જેમલભાઈ રબારી અને સહદેવસિંહ જાડેજા દ્વારા શીખવવામાં આવી રહ્યું છે.આ ટ્રેનિંગ કેમ્પમાં તાલીમ લઈ રહેલા પ્રશાંત કુશવાહએ જણાવ્યું હતુ કે, હું છેલ્લા ચાર વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. મને રનિંગ કરવામાં ખૂબ તકલીફ પડતી હતી. ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. હું 10 દિવસથી આ કેમ્પમાં આવી રહ્યો છું. ત્યારે અહીંયા કરાવવામાં આવતી તાલીમથી હવે હું રનિંગ પૂર્ણ કરી શકીશ તેવો મને ભરોસો છે.તાલીમ આપી રહેલા કોચ કુલદિપભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે અહીંયા સુસંચાલિત ગ્રાઉન્ડની વ્યવસ્થા છે. અમારા અનુભવથી આ યુવાનોને અમે પોલીસ ભરતી માટે તાલીમબદ્ધ કરી રહ્યા છીએ.