મનોરંજનથી વંચિત ચહેરાઓ પર ખુશી લાવવાનો સેવાયજ્ઞ : આશ્રિતોને નિઃશુલ્ક મેળો ફેરવી વિવિધ રાઇડ્સનો આનંદ અપાયોમોરબી અપડેટ : મોરબી ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના લોકમેળામાં મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહના આશ્રિત ભાઈ-બહેનોને વિશેષ આમંત્રણ આપી મેળાની આનંદયાત્રા કરાવવામાં આવી હતી. આશ્રિતોને મેળામાં નિઃશુલ્ક પ્રવેશ સાથે વિવિધ મનોરંજક રાઇડ્સમાં બેસાડી મેળાનો ભરપૂર આનંદ માણવાની તક આપવામાં આવી હતી.આશ્રયગૃહમાંથી આવેલા આશ્રિતોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સામાન્ય મુલાકાતીઓની જેમ નહીં પરંતુ યંગ ઇન્ડિયા ગ્રુપના પોતાના પરિવારના સભ્યોની જેમ મેળો માણી શકે તે માટે ગ્રુપના સ્વયંસેવકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક રાઇડ સુધી તેમને સાથે લઈ જવામાં આવ્યા, રાઇડ્સમાં બેસાડવામાં આવ્યા અને સમગ્ર મેળામાં તેમની સુવિધા તથા સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મેળાની રંગબેરંગી રોશની, વિવિધ રાઇડ્સ અને ઉત્સવના વાતાવરણ વચ્ચે આશ્રિતોના ચહેરા પર જોવા મળેલું નિર્દોષ સ્મિત યંગ ઇન્ડિયા ગ્રુપના આ સેવાકાર્યની સાચી સાર્થકતા બની રહ્યું હતું. આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે,“મેળો માત્ર રાઇડ્સ, રોશની અને મનોરંજનનું સ્થળ નથી; મેળો સમાજના દરેક વર્ગના ચહેરા પર ખુશી લાવવાનું માધ્યમ પણ બની શકે છે. આપણી ખુશી ત્યારે જ પૂર્ણ બને છે, જ્યારે તેમાં સમાજના વંચિત, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોનો પણ હિસ્સો હોય. આશ્રયગૃહના આશ્રિતોના ચહેરા પર આજે જે નિર્દોષ આનંદ અને સ્મિત જોવા મળ્યું, એ અમારા માટે કોઈપણ સન્માન કરતાં મોટું છે.”તેમણે વધુમાં જણાવ્યું કે, “યંગ ઇન્ડિયા ગ્રુપ માટે સેવા કોઈ પ્રસંગ પૂરતી પ્રવૃત્તિ નથી, પરંતુ એક સતત ચાલતો સંકલ્પ છે. સમાજમાં કોઈ વ્યક્તિ પોતાની આર્થિક કે સામાજિક પરિસ્થિતિના કારણે જીવનની નાની ખુશીઓથી વંચિત ન રહે—એવી સંવેદના દરેક સક્ષમ વ્યક્તિના હૃદયમાં હોવી જોઈએ. ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે, તેમાંથી થોડો સમય, થોડું સામર્થ્ય અને થોડો આનંદ અન્ય લોકો સાથે વહેંચીએ, તો જ જીવનની સફળતા સાચા અર્થમાં સાર્થક બને.”