‘જીવ રાજી તો શિવ આપોઆપ રાજી’ ના મંત્ર સાથે 18 વર્ષથી ચાલતી અવિરત પરંપરા: ભૂખ્યા લોકોના મુખે દૂધપાક પહોંચાડી સાચી શિવભક્તિ ઉજાગર કરીમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોરબીમાં ભક્તિ અને માનવસેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સામાજિક, સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના શ્રમજીવી અને પછાત વિસ્તારોમાં વસતા 2000 થી વધુ ભૂલકાઓ, વડીલો અને જરૂરિયાતમંદ પરિવારોને દૂધપાક તેમજ પૌષ્ટિક પૂરી-શાકનો મહાપ્રસાદ જમાડીને ભગવાન શિવની સાચા અર્થમાં આરાધના કરવામાં આવી હતી. શિવ આરાધનાને માત્ર શિવલિંગ સુધી સીમિત રાખવાને બદલે જરૂરિયાતમંદોના મુખ સુધી પહોંચાડીને ‘જીવ રાજી તો શિવ આપોઆપ રાજી’ નો ભાવપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.સામાન્ય રીતે શ્રાવણ માસના સોમવારે શ્રદ્ધાળુઓ શિવલિંગ પર દૂધનો અભિષેક કરતા હોય છે, ત્યારે આ જ ભાવનાને માનવસેવા સાથે જોડીને યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક અને પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યું હતું. ભૂખ્યા અને વંચિત લોકોના ચહેરા પર ભોજન બાદ જોવા મળેલા સંતોષના સ્મિતે આ સેવાયજ્ઞને સાર્થક બનાવ્યો હતો.આ સેવાકાર્ય અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શિવપુરાણ અને શાસ્ત્રોમાં ભગવાન શિવના અભિષેકનું વિશેષ મહત્વ છે, પરંતુ સનાતન સંસ્કૃતિએ સાથે-સાથે ‘જીવ માત્ર પર દયા’ અને ‘નર સેવા એ જ નારાયણ સેવા’ નો પાયાનો સંદેશ પણ આપ્યો છે. શિવલિંગ પર ચઢાવેલું દૂધ ભક્તિ છે, જ્યારે ભૂખ્યા જીવના મુખ સુધી પહોંચેલો દૂધપાક એ સંવેદનાની શિવભક્તિ છે. ભૂખ્યા જીવની ક્ષુધા તૃપ્ત કરવી એ પણ શિવની આરાધનાનું જ જીવંત સ્વરૂપ છે.નોંધનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આ પ્રકારનું સેવાભાવી અભિયાન અવિરત ચલાવવામાં આવે છે. ભગવાનને શોધવા માત્ર મંદિર સુધી જવાની જરૂર નથી, કોઈ જરૂરિયાતમંદના જીવનમાં સુખની ક્ષણ લાવીને પણ શિવના દર્શન કરી શકાય છે તેવા ઉમદા વિચાર સાથે મોરબીમાં આ માનવતા યજ્ઞ યોજાયો હતો.#Morbi #MorbiUpdate #YoungIndiaGroup #DrDevenbhaiRabari #ShravanMonth #ShravanSomwar #ManavSeva #DudhpakPrasad #SocialService #MorbiNews #GujaratNews