વેલેન્ટાઈન ડે નહિ પરંતુ વાત્સલ્ય દિવસની ઉજવણી, 8મા વર્ષે સતત અનોખી ઉજવણીમોરબી : 14 ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઈન ડે નહિ પણ વાત્સલ્ય દિવસ તરીકે ઉજવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે સતત આઠમા વર્ષે વંચિત બાળકોને લક્ઝુરિયસ કારમાં જોય રાઈડની મજા કરાવી હોટેલમાં મનભાવતા ભોજન કરાવવામાં આવ્યા હતા.યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે વાત્સલ્ય દિવસે સરકારી શાળા માધાપર વાડી, શ્રી હરી અને સાર્વજનિક પ્રાથમીક શાળાના 130 જેટલા બાળકોને 50 જેટલી કારમાં જોય રાઈડનો આનંદ કરાવ્યો હતો. જેમાં બાળકોને ઓડી, બીએમડબલ્યુ, મર્શિડીઝ, રેન્જ રોવર , ફોર્ચ્યુનર સહિતની ગાડીમાં મોરબીના સ્કાય મોલથી નવા બસ સ્ટેન્ડ, ત્યાંથી ગાંધીચોક, તખ્તસિંહજી રોડ, ત્યાંથી પુલ પરથી પરત થઈ અને મણિમંદિર, ગેસ્ટ હાઉસ રોડ, નેહરુગેટ, ગાંધી ચોક, શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, રવાપર રોડ, રવાપર ચોકડી, કેનાલ રોડ થઈ અને શનાળા રોડ પર આવેલ મોમ્સ હોટલ સુધી જોય રાઈડની મજા કરાવી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી આ આયોજન કરીએ છીએ, અત્યાર સુધી 1000 જેટલા બાળકોને જોઈ રાઈડ કરાવી છે અને આ એવા બાળકો એવા છે કે જેમને આવી મોંઘી તો ઠીક અન્ય કોઈ કારમાં પણ સફર નથી કરી એવા બાળકોને મોંઘી ગાડીમાં સફર કરાવી બાળકોના આનંદમાં અમારો આનંદ માણ્યો છે.