મોરબી : સૌરાષ્ટ્રના સાગર તટે વાવાઝોડાથી અસરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકો માટે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ હાલ સેવા કાર્યો ચકલાવી રહ્યું છે. સતત પાંચમા દિવસે પણ આ ગ્રુપનો સેવા રથ વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર એવા ઉના, રાજુલા, ગીર સોમનાથ, સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી સેવાની સરવાણી વહાવી રહ્યો છે. અને હાલમાં મોરબી શહેરના પછાત વિસ્તારોમાં પણ જરૂરિયાત વાળા લોકોને રાશનકીટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા તથા મીની લોકડાઉનની સ્થિતિ વચ્ચે રોજનું કમાઈને રોજ પેટનો ખાડો પૂરતા ગરીબોની હાલત દયનિય થઈ ગઈ છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હાલમાં મોરબીના ઉમિયાનગર, માળીયા- વનાળિયા, લાલપર, રામદેવનગર, ત્રાજપર, જવાહર સોસાયટી, નિલકમલ સોસાયટી, વીસીપરા, વણકરવાસ, લીલાપર રોડ સહિતના પછાત વિસ્તારોમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ લોકોને 15 દિવસ ચાલે એટલા રાશનની કીટ આપવામાં આવી છે.