શ્રમિકોને તડકો ન લાગે તે માટે મંડપ નખાયા, લીંબુ સરબત અને ભોજન વિતરણ પણ કરાયું મોરબી : મોરબીમાં વતન જવા માટે શ્રમિકો ઊંધામાથે થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રોની બહાર શ્રમિકો રઝળતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં સેવાકાર્યો માટે જાણીતું એવુ યંગ ઇન્ડિયા ગ્રુપ શ્રમિકોની વ્હારે આવ્યું છે. ગ્રુપ દ્વારા શ્રમિકો માટે આરોગ્ય કેન્દ્રની બહાર મંડપની વ્યવસ્થા તેમજ લિંબુ સરબત અને ભોજનનું વિતરણ કરવાનું ભગીરથ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન મોરબીના શ્રમિકો વતન જવા માટે દરરોજ હજારોની સંખ્યામાં આરોગ્ય કેન્દ્રોની બહાર ઉમટી પડી રહ્યા છે. મોડી રાતથી જ આ શ્રમિકો આરોગ્ય કેન્દ્રોની બહાર ધામા નાખી દયે છે. બાદમાં બીજા દિવસે બપોરના ધોમધખતા તાપમાં પણ આ શ્રમિકો લાચાર બનીને અડીખમ ઉભા જોવા મળે છે. ત્યારે શ્રમિકોને પડતી આ યાતનાઓ દૂર કરવા યંગ ઇન્ડિયા ગ્રુપ મદદે આવ્યું છે. યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા શહેરના આરોગ્ય કેન્દ્રોની બહાર મંડપ ગોઠવવામાં આવ્યા છે. જેથી શ્રમિકોને બપોરના સમયે તડકો વેઠવો ન પડે. ઉપરાંત કલાકો સુધી કતારોમાં રહેતા શ્રમિકોનું શરીર સ્વસ્થ રહે તે માટે લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવે છે. આ સાથે શ્રમિકોને ભોજન કરાવીને તેઓની જઠરાગ્નિ પણ ઠારવામાં આવે છે. આમ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કપરા સમયમાં સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી શ્રમિકોની હાલાકી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.