ત્રણ શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના લખધીરવાસ ચોકમાં તું પોલીસનો બાતમીદાર છો તેમ કહીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ લક્ષ્મી શેરીમાં રહેતા સચિનભાઈ સતીષભાઈ શુક્લ (ઉ.વ.30) એ આરોપીઓ ભાવેશભાઈ રમણિકભાઈ બાવાજી, તૌફિકભાઈ દાઉદભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી સચિનભાઈ સતીષભાઈ શુક્લ ગઈકાલે રાત્રે મોરબીના લખધીરવાસ ચોકમાં હતા.ત્યારે ત્રણેય આરોપીઓએ આવીને તું અમારી પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહીને યુવાનના હાથ ઉપર છરી વડે હુમલો કરી સામાન્ય ઇજા કરી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.