માળીયામાં મોટાબાપુ સાથે ઝઘડો કરતા ભાઈને સમજાવવો ભારે પડ્યો માળીયા : માળીયા મિયાણા ગામે મોટાબાપુ સાથે ઝઘડો કરી રહેલા પુત્રને ઝઘડો નહિ કરવા સમજાવનાર કૌટુંબિક ભાઈને તું અમારા ઝઘડામાં વચ્ચે પડતો નહિ કહી ભાઈએ છરી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા જુના રેલ્વે સ્ટેશનની બાજુમા રહેતા આરીફભાઇ ડાડાભાઇ કટીયા પોતાના કૌટુંબિક મોટાબાપુ સદીકભાઈના ઘેર ગયા ત્યારે તેમનો પુત્ર દોશમામદ ઉર્ફે બબલુ સદીકભાઇ કટીયા પિતા સાથે ઝઘડો કરતો હોવાથી આરીફભાઇએ ઝઘડો નહિ કરવા સમજાવ્યો હતો.જેથી તે સમયે દોશમામદ ઉર્ફે બબલુ જતો રહ્યો હતો. બાદમાં સાંજના સમયે આરીફભાઈ કટિયા વાસ નજીક બજારમાં ઉભા હતા ત્યારે દોશમામદ ઉર્ફે બબલુ ત્યાં આવ્યો હતો અને અમારા પિતા પુત્રના ઝઘડામાં તું વચ્ચે આવતો નહિ નહિતર મજા નહિ આવે કહી છરી કાઢી ગાળા ગાળી કરી હતી જેથી અન્ય લોકો એકત્રિત થઈ જતા દોશમામદ ઉર્ફે બબલુએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે વાંસાના ભાગે છરકો કરતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળીયા પોલીસે આરીફભાઈની ફરિયાદને આધારે આરોપી દોશમામદ ઉર્ફે બબલુ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.