સંવેદના અભિયાન હેઠળ જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરી મોરબી : મોરબીમાં હરહમેંશ સર્વ સમાજના હિતમાં સત્કાર્યો કરવા માટે સદાય તત્પર રહેવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે કોરોના મહામારી વખતે પણ જરૂરિયાતમંદોને મદદરૂપ થવા સેવાની ઘુણી ધખાવી છે. સાથોસાથ જરૂરિયાતમંદો પણ શુદ્ધ અને ઓર્ગેનિક કેરીનો રસ આરોગી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સંવેદના અભિયાન હેઠળ તેઓને કેરીના રસ સહિત પૌષ્ટિક આહારનું ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કોરોના મહામારીમાં માનવ ધર્મ દીપાવીને તમામ સમાજના જરૂરિયાતમંદોને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર નજીક આવેલ આદર્શ નિવાસી શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સેવાભાવી કાર્યકરો રાત-દિવસ જોયા વગર નિ:સ્વાર્થ ભાવે કોવિડના દર્દીઓની સેવા ચાકરી કરી રહ્યા છે. ત્યારે હાલમાં કેરીની સિઝન હોય અને જરૂરિયાતમંદો પણ શુદ્ધ કેરીના રસનો સ્વાદ માણી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સંવેદના અભિયાન હેઠળ મોરબી શહેરના પછાત વિસ્તારોમાં રહેતા બાળકો સહિતના જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ અને પૌષ્ટિક આહારનું ભોજન કરાવવામાં આવ્યું હતું.