મણી મંદિરમાં શહેરી કક્ષાનો કાર્યક્રમ : દરેક તાલુકા મથકે તેમજ 753 પ્રાથમિક- માધ્યમિક શાળાઓ, તમામ કોલેજો, 6 પીએચસી સેન્ટર અને 350 જેટલી ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમ યોજાશેમોરબી : મોરબી જિલ્લામાં આગામી 21મી જૂને એટલે કે શનિવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષા અને દરેક તાલુકા કક્ષાએ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે આખા વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગનું ખૂબ મહત્વ છે. 2014 માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યારે તેઓએ વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. 2015થી આપણે 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારે મોરબી જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 6 વાગ્યે યોજાશે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ સાથે ચારેય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 2500 જેટલા લોકો સામેલ થશે. આ વેળાએ પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરવાના છે મુખ્યમંત્રી પણ સંબોધન કરવાના છે. 21 જૂને મહાનગરપાલિકાનો કાર્યક્રમ મણિ મંદિર ખાતે રાખેલો છે. તેમાં પણ અંદાજે 1000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. ટંકારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ એમપી દોશી હાઈસ્કૂલમાં યોજાશે. માળીયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયતમાં થશે. હળવદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળમાં થશે. વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા કચેરીના મેદાનમાં થશે.આ સાથે મોરબી જિલ્લામાં 753 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, તમામ કોલેજો, 6 પીએચસી સેન્ટરોમાં અને 350 જેટલી ગ્રામ પંચાયતમાં કાર્યક્રમ યોજાશે.