આજે ગીતા જયંતી : આ એકમાત્ર એવો ગ્રંથ છે જેની ઉત્પત્તિ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી થઈ છેમોરબી : આજે તા. 22 ડિસેમ્બર, 2023એ માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીએ ગીતા જયંતી મનાવવામાં આવી રહી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખેલી વાતો શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે, જેની ઉત્પત્તિ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી થઈ છે. આ જ કારણ છે કે દર વર્ષે ગીતા જયંતી મનાવવામાં આવે છે.હિન્દુ પંચાગના અનુસાર માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી, આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ શ્રીકૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રનાં મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતના થોડા વર્ષો પહેલાં શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે.શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે. ગીતાજીમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. જેમાં માનવ જીવનના દરેક વિષયને વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક શ્લોક માનવ જીવન માટે રસ્તો બતાવનારા છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સર્વધર્મ માટેનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ગીતાજી હિંદુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતાજીને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. મૂળ શ્રીમદ્ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે 3066નો માનવામાં આવે છે.ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રીકૃષ્ણના રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં શ્રી કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.ગીતાજીમાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતાજી મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.