સીરામીકમાં વપરાતી ચાઇનાક્લે માટીમાં ખનીજ ચોરીની કરવા માટે કરાતી ચાલબાજી ખુલ્લી પડી મોરબી : રાજસ્થાનથી લાવવામાં આવતી અને સીરામીક એકમો માટે જરૂરી અને પાયાની સામગ્રી મનાતી એવી માટીની રેવન્યુ ચોરી કરવા માટે આચરવામાં આવતી છટકબારીનો પર્દાફાશ થયો છે. ખોટી નંબર પ્લેટ લગાવીને માટીની હેરફેર કરતા એક ટ્રકને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં ડ્રાયવર ક્લીનરની અટકાયત કરાઈ છે જ્યારે ટ્રક માલિકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ છે. રાજકોટ આર.આર. સેલના પીએસઆઇ વાળાની સૂચનાથી રામભાઇ મઢ, રસિકભાઈ પટેલ, સુરેશભાઈ હુંબલ સહિતના સ્ટાફે હાઇવે પર માહિકાધાર પાસેથી ટ્રક નંબર RJ 32 GB 9579ને શંકાના આધારે અટકાવી પ્રાથમિક તપાસ કરતા ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું ખુલ્યું હતુ. મૂળ RJ 32 GB 9530 નંબરના ટ્રકમાં પાછળના બે અંક બદલાવીને ટ્રક ચલાવાતો હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ગઈ હતી. કેમ કે ખોટી નંબર પ્લેટ લગાવવાનો મૂળભૂત ઈરાદો સરકાર અને ઉધોગકાર સાથે છેતરપિંડીનો જ હોય શકે એ બાબત સ્પષ્ટ થતા પોલીસે ટ્રક ડ્રાયવર યાદરામ પુરણમલ ગુર્જર ઉં.વ.23, રહે. ગામ ટોરડા ગુજરાન ઢાણી કાયથલી તા. કોટપુટલી, જી. જયપુર તથા નરેશકુમાર જગદીશપ્રસાદ યાદવ ઉં.વ 30 રહે. ગામ કુજૈતા, તા. કોટપુટલી, જી. જયપુરની ટ્રક સાથે અટકાયત કરી છે. તેમજ ટ્રક માલિક રાકેશકુમાર જગદીશભાઈ ધાણકા જયપુર વાળાની અટકાયત માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત નંબરના ટ્રકમાં ચાઇનાકલે વોસ્ડ માટીની હેરફેર કરવામાં આવી રહી હતી. જેનાથી એવું ફલિત થઈ રહ્યું છે કે ખોટી નંબર પ્લેટ લગાવીને ખનીજ ચોરી કરવા માટેનું મોટું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે કે પછી કોઈ કારખાનેદારેનો માલ હડપ કરવા માટે ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી છે એ બાબતે વધુ તાપસ વનકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે