લગ્ન નોંધણી કરતા પહેલા 45 દિવસ અગાઉ માતા-પિતાને નોટિસ આપવા તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજોનું વેરિફિકેશન પણ દીકરીના સરનામા મુજબના પોલીસ સ્ટેશનમાં કરવા અપીલ મોરબી: ગુજરાતમાં થતા પ્રેમ લગ્નોમાં વાલીઓની સહી અને સંમતિ ફરજિયાત કરવા માટે કાયદો બનાવવાની માંગણી ઊઠી છે. મોરબીના રહેવાસી રમેશભાઈ રબારીએ આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે.પત્રમાં જણાવાયું છે કે, પ્રેમ લગ્ન કરતાં યુવક-યુવતી બંનેના માતા-પિતાની સંમતિ અને સાક્ષી તરીકે તેમની સહી ફરજિયાત હોવી જોઈએ. આ ઉપરાંત, લગ્ન નોંધણી કરતા પહેલા 45 દિવસ અગાઉ માતા-પિતાને નોટિસ મળવી જોઈએ. પ્રેમ લગ્નની નોંધણી દીકરીના આધારકાર્ડના સરનામા મુજબ તે જ વિસ્તારના મામલતદાર કચેરીમાં થવી જોઈએ અને દીકરીના માતા-પિતાની સહી પણ ફરજિયાત લેવી જોઈએ. તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજોનું વેરિફિકેશન પણ દીકરીના સરનામા મુજબના પોલીસ સ્ટેશનમાં થવું જોઈએ. રમેશભાઈ રબારીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, રાજ્યના ઘણા સમાજો દ્વારા આ પ્રકારનો કાયદો લાવવા માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે. આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.