માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં CCI સેન્ટર આપવા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવિયા દ્વારા દેશના કોટન મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે માળીયામાં 70% કપાસનું વાવેતર થાય છે. આ તાલુકો ઘણા વર્ષોથી કપાસના વાવેતરમાં અગ્રેસર રહયો છે. ગત વર્ષે કપાસનું વાવેતર હોવા છતાં CCI સેન્ટર સમયસર શરૂ કરવામાં આવેલ ન હતું. અને CCI સેન્ટર તા. 22 મેના રોજ શરૂ કરવામાં આવેલ. આ CCI સેન્ટર ઉપર કુલ 4000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલ. જેમાંથી માત્ર 700 ખેડૂતોનો કપાસ ખરીદ કરવામાં આવેલ. ત્યારબાદ વરસાદની સીઝન શરૂ થનાર હોય. તેથી, ટૂંકા સમયમાં CCI સેન્ટર બંધ થઇ ગયેલ હતું. વધુમાં, આ વખતે CCI સેન્ટરની યાદી બહાર પડેલ, તેમાં મોરબી જિલ્લાના માળીયા(મી.) તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો આ વર્ષે માળીયા તાલુકાને સમયસર CCI સેન્ટર મળે તેવી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.